અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, કોલેજ જતા 2 યુવાનોનાં કરૂણ મોત

ભરૂચઃ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ખરોડ ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેમાં કોલેજ જઈ રહેલા બે મોપેડસવારોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતકો દઢાલ ગામના વતની છે. તેઓ કોસંબામાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતા હતા. મૃતકોમાં 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવાનો સમાવેશ થાય છે. પાનોલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.