June 28, 2024

અંકલેશ્વર GIDCમાં તંત્રની બેદરકારીથી બે ગાયનાં મોત, પાણી પીવા જતા કરંટ લાગ્યો

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા 2 ગાયનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. વીજ પોલ નજીકના ખાડમાં પાણી પીવા જતા ગાયને કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં 3માંથી બે ગાયનાં મોત મોત નીપજ્યા છે અને એક ગાયને બચાવી લેવામાં આવી છે.

જામનગરમાં પણ ગાયનું મોત
જામનગર જિલ્લા અને શહેરમાં પ્રથમ વરસાદે જ PGVCL અને તંત્રની પોલ ખોલી નાંખી છે. જામનગર શહેરમાં વીજ શોક લાગતા ગાયનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વીજ પોલ અને ખુલ્લા બોક્સને લીધે પશુ અને લોકોના જીવને જોખમ છે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં કરોડોનો ખર્ચ કર્યો છતાં પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાંખી છે. શહેરમાં ગોકુલનગરમાં વીજ શોક લાગતા ગાયનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગાયના મોતથી પશુપાલકોમાં રોષની લાગણી છવાઈ છે.

આ પણ વાંચોઃ ભાવનગર મનપાનું બુદ્ધિ પ્રદર્શન, ચાલુ વરસાદમાં બનાવે છે ડામરનો રોડ!

છોટા ઉદેપુરમાં મકાન ધરાશાયી થતા બળદનું મોત
છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભારે વરસાદને કારણે નસવાડી તાલુકામાં મકાન ધરાશાયી થયું હતું. ડુંગર વિસ્તારમાં આવેલા કેવડી ગામે મોડી રાતે મકાન ધરાશાયી થયું હતું. મળતી માહિતી પ્રમાણે, ભીલ નરતિયાભાઈ વેલજીભાઈ નામના વ્યક્તિનું ઘર પડી ગયું હતું. જેમાં ઘરમાં બાંધેલા બળદનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું હતું.