ભડિયાદ ગ્રામ પંચાયતના લાભાર્થીઓને 14 વર્ષ બાદ પણ નથી મળ્યા જમીનના પ્લોટ
ડેનિસ દવે, મોરબી: ભડિયાદ ગ્રામ પંચાયતમાં આર્થિક અને સામાજિક પછાત વર્ગના લોકોને વર્ષ 2010 માં સરકાર દ્વારા 100 ચોરસવારના પ્લોટ મંજૂર કરાયા હતા પરંતુ આ પ્લોટ આજદિન સુધી લાભાર્થીઓને આપવામાં આવ્યા નથી. જેને લઇ હવે સામાજિક કાર્યકર લાભાર્થીઓ વતી કલેક્ટર કચેરી સામે મકાન બનાવવા માટે પાયા ખોદણ કામ શરૂ કરશે.
સામાજિક કાર્યકર અનિલભાઈ અંબાલીયાએ મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને લેખિતમાં જણાવ્યું છે કે, 14 માર્ચ 2024ના રોજ કલેક્ટરને રજૂઆત કરીને 15 દિવસમાં પ્લોટની ફાળવણી અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે આગામી 8 એપ્રિલ 2024ના રોજ 34 લાભાર્થીઓ વતી અનિલભાઈ અંબાલીયા કલેક્ટર કચેરી સામે જિલ્લા સેવા સદન ખાતે મકાન બનાવવા માટે પાયા ખોદાણ કામ શરૂ કરશે. આ તકે તેમણે પોલીસ પાસે રક્ષણની પણ માંગ કરી હતી.
આ પણ વાંચો: ભરૂચ લોકસભા બેઠક પર વસાવા સામે વસાવાનો જંગ, જાણો આ બેઠકના લેખાજોખા
જો કે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીના જણાવ્યા મુજબ, જે તે સમયે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી, મારી પાસે પણ રજુઆત આવી છે ત્યારે એમનું જે કાંઈ કામ હશે તે જોઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ લાભાર્થી જો કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં ખોદકામ કરવાની ચીમકી ઉચ્ચારી છે જે તદ્દન ગેરવ્યાજબી છે અને તે સાંખી લેવામાં નહીં આવે. તેમ છતાં જો કોઈ આવી પ્રવુતિ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.