October 24, 2024

સાવરકુંડલામાં દિવાળીની રાત્રે રમાશે ઇંગોરીયાનુ યુધ્ધ, જાણો કઈ રીતે બને છે ઇંગોરીયુ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલીના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતુ ઇંગોરીયાનુ યુધ્ધ અતિ રોમાંચક હોય છે. આ યુધ્ધની તૈયારીઓ સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી કરી રહ્યા છે. ઈંગોરીયા એ દેખાવમાં ચીકુ જેવુ ફળ હોય છે. જેને ઇંગોરીયુ કહેવાય છે. આ ઈંગોરીયાને સુકવીને તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરીયામાં દારૂખાનુ ભરવામાં આવે છે.

 

આ દારૂખાનુ કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભુક્કો કરાય છે. તેમા ગંધક, સુરોખાર ભેળવી આ દારૂખાનુ તૈયાર કરવામા આવે છે. આ દારૂખાનુ તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને ડ્રીલથી હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરીયાને દારૂખાનુ ભરવામાં આવે છે અને તેને ખીલા જેવા સાધનથી ઠબકારી ખીચોખીચ ભરવામા આવે છે અને તૈયાર થઇ જાય છે લડાઇ માટેના ઇંગોરીયા. છેલ્લા થોડા વર્ષથી ઇંગોરીયાના વૃક્ષોનો નાશ થઇ રહ્યો હોય ઇંગોરીયા મુશ્કેલીથી મળે છે અને તેમા સખત મહેનત પણ પડે છે તેથી તેનુ સ્થાન હવે કોકડા એ લીધુ છે.

આ દરજીને દોરાની મોટી સાઇઝની કોકડીને બન્ને બાજુ ની ખુલ્લી જગ્યામાં કાચા પત્થર ની માટીથી પેક કરવામા આવે છે ત્યાર બાદ કોકડાને વચ્ચે ડ્રીલથી હોલ પાડી તેમા પણ પત્થરની માટીથી ફીટ મારવામા આવે છે અને તૈયાર થાય છે. કોકડાનો મોટો જથ્થો. સાવરકુંડલામા તૈયાર થઇ રહેલા હજારો ઇંગોરીયા અને કોકડા એક જ રાતમા સામસામે ફેકીને ખતમ કરાય છે જે રમત અતિ રોમાંચીત અને દુર્લભ હોય છે.આ અતિ રોમાંચકારી નિર્દોષભાવે ખેલાતુ યુધ્ધ સાવરકુંડલામા છેલ્લા સાઇઠ વર્ષ પહેલાથી ખેલાય છે.

વર્ષો પહેલા સાવર અને કુંડલા એમ બે ભાગમા યુવાનો વહેચાઇ જતા અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતા ઇંગોરીયા ફેકી લડાઇ કરતા હતા. આ યુધ્ધ માત્ર સાવરકુંડલામા જ ખેલાય છે આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના નગરજનોના ઘરે અનેક મહેમાનો આવે છે આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતુ નથી અને રોકેટ જેમ છનનન કરતુ આવતા ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.દિવાળીની રાત્રે સાવરકુંડલામા ખેલાશે જંગ સામસામે થશે ભીષણ લડાઇ. મિત્રો બનશે દુશ્મનો નિર્દોષ દુશ્મનીની આ લડાઇ ચાલશે સવાર સુધી.

સાવરકુંડલા શીવાકાશી બન્યુ છે અને આ નિર્દોષ રમતને નિહાળવી એ એક અમુલ્ય તક છે. સમગ્ર ભારતમાં એક માત્ર સાવરકુંડલામાં જ ઈંગોરીયાની રમત રમવામાં આવે છે. ઈંગોરીયા અને કોકડી ભરવા માટે સાવરકુંડલાના યુવાનો ત્રણ થી ચાર મહિના અગાઉ મહેનત શરૂ કરી દે છે.