September 19, 2024

બાંગ્લાદેશની વણસી સ્થિતિ, ફરી સક્રિય થયા આ આતંકી સંગઠન: ભારતીય એજન્સીઓ સતર્ક

બાંગ્લાદેશ હિંસા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી જતાં ભારતની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. એવી આશંકા છે કે શેખ હસીનાના રાજીનામા અને સેનાએ સત્તાનું સુકાન સંભાળતાની સાથે જ દેશમાં પાકિસ્તાન સમર્થિત શક્તિઓ સક્રિય થઈ ગયા છે. એવામાં, અંસાર ઉલ બાંગ્લાદેશ, ઉમાત ઉલ બાંગ્લાદેશ, જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશ માટે મોટો માથાનો દુખાવો સાબિત થશે.

દેશવિરોધી કૃત્યોમાં કાર્યરત હતા આ સંગઠનો 
છેલ્લા કેટલાય સમયથી આ સંગઠનો બાંગ્લાદેશમાં વાતાવરણ પ્રદૂષિત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. વર્તમાન સરકારના વિરોધમાં આ સંગઠનો સતત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા. શેખ હસીનાની સરકાર તેમના પર સતત કાર્યવાહી કરી રહી છે. પરંતુ, બદલાયેલા સંજોગોમાં તેમના સક્રિય થવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. આ સંગઠનોને આડકતરી રીતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનું સમર્થન મળે છે.

ભારત-બાંગ્લાદેશ સરહદ પર એલર્ટ
બાંગ્લાદેશની હાલની બગડતી સ્થિતિ બાદ ભારતની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. NIA ભારત-બાંગ્લાદેશ સરહદ પર પણ નજર રાખી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડર પર NIA નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના બાંગ્લાદેશ છોડ્યા બાદ તેમની કેબિનેટના સભ્યો પણ ભારતમાં શરણ લે તેવી સંભાવના છે. એટલે સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે સતર્ક થઈ ગઈ છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર તૈનાત અધિકારીઓને આંતરરાષ્ટ્રીય સંધિઓ અને રાજદ્વારી પાસપોર્ટ સંબંધિત નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા છે.