ભારત સાથે નફ્ફટાઈ કરવી બાંગ્લાદેશને પડશે મોંઘી, 43 વસ્તુઓ પર વધાર્યો વેટ
Bangladesh: ભારત-બાંગ્લાદેશના સંબંધો સતત બગડી રહ્યા છે. ભારત સરકારે વારંવાર બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ હિંસા રોકવા માટે કહ્યું છે. પરંતુ બાંગ્લાદેશ તેની હરકતો સુધારી રહ્યું નથી. આ જ કારણ છે કે બાંગ્લાદેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેની સ્થિતિ સુધારવા માટે બાંગ્લાદેશે 43 વસ્તુઓ પર વેટ વધારવો પડ્યો છે.
બાંગ્લાદેશની સ્થિતિ કોઈનાથી છુપી નથી. અહીં, અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે આવશ્યક ચીજવસ્તુઓ પર વધારાનો વેટ વસૂલવામાં આવશે. તેમાં દવાઓ, દૂધનો પાવડર, બિસ્કિટ, જ્યુસ, ફળો, સાબુ, મીઠાઈઓ, મોબાઈલ ફોન કોલ, ઈન્ટરનેટ એક્સેસ, હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજન, એર ટિકિટ, સિગારેટ અને તમાકુનો સમાવેશ થાય છે. એનબીઆરના એક અધિકારીએ જણાવ્યું કે આ પગલું IMF દ્વારા નિર્ધારિત શરતોને પૂર્ણ કરવા માટે લેવામાં આવી રહ્યું છે. આ મુજબ ચાલુ નાણાકીય વર્ષ માટે 12,000 કરોડ રૂપિયાની વધારાની આવક થશે.
ખાણી-પીણી મોંઘી થશે
હવે બાંગ્લાદેશમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવાનું મોંઘું થવા જઈ રહ્યું છે, કારણ કે અત્યાર સુધી હોટલ અને રેસ્ટોરન્ટ પર 5 ટકા વેટ લાગતો હતો. પરંતુ હવે તેને વધારીને 15 ટકા કરવામાં આવશે. જે બાદ હોટલ તરફથી પણ રેટ વધારવામાં આવશે. તેનો સ્પષ્ટ અર્થ છે કે હવે રાત્રિભોજન પણ મોંઘુ થશે. આ સિવાય કપડા ખરીદવા પણ મોંઘા થશે. દારૂ પરની ડ્યુટી 20 ટકાથી વધારીને 30 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આયાત સ્તરે ફળોના રસ પર વેટ 20 ટકાથી વધારીને 30 ટકા, તમાકુ પર 60થી 100 ટકા, ઉપરાંત સોપારી પરનો વેટ 30થી વધારીને 45 ટકા કરવામાં આવ્યો છે.
ટર્નઓવર ટેક્સ લાદવાની વિચારણા
સરકાર વ્યાપારી સંસ્થાઓના વાર્ષિક ટર્નઓવરના આધારે ટર્નઓવર ટેક્સ લાદવાની પણ યોજના ધરાવે છે. હાલમાં ટર્નઓવર ટેક્સ ત્યારે જ ચૂકવવામાં આવે છે જ્યારે વાર્ષિક ટર્નઓવર 5 મિલિયનથી 30 મિલિયન રૂપિયાની વચ્ચે હોય. પ્રસ્તાવમાં તે વ્યવસાયો પર ટર્નઓવર ટેક્સ પણ લાદવામાં આવ્યો છે. જેનું ટર્નઓવર 3 મિલિયન ટાકાથી 5 મિલિયન ટાકા છે. જો વાર્ષિક ટર્નઓવર 5 મિલિયન રૂપિયાથી વધુ હોય, તો તે કંપની દ્વારા ઉત્પાદિત તમામ માલસામાનના વેચાણ પર 15 ટકા વેટ વસૂલવામાં આવશે.