September 17, 2024

બાંગ્લાદેશનો ધ્વજ-રાષ્ટ્રગીત હિંદુએ લખ્યું, છતાં બાંગ્લાદેશીઓ કરે છે લઘુમતીઓ પર અત્યાચાર!

અમદાવાદઃ બાંગ્લાદેશમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે ત્યાં રહેતા લઘુમતી કોમ એટલે કે હિંદુઓ પર ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યાચારો થઈ રહ્યા છે. મંદિરો સળગાવવામાં આવ્યા છે. હિંદુઓના ઘર પર હુમલા થઈ રહ્યા છે. આ જ બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ એક હિંદુએ ડિઝાઇન કર્યો છે, તો આ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે જે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે ‘અમાર સોનાર બાંગ્લા…’ આ પણ એક હિંદુએ લખ્યું છે. જે દેશના રાષ્ટ્રધ્વજ બનાવવામાં અને રાષ્ટ્રગીત હિંદુએ રચ્યાં હોય, તે જ દેશમાં હિંદુઓ પર ક્રૂર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બંગાળી ભાષા અને સંસ્કૃતમાં લખાયેલું છે. વર્ષ 1972થી ‘અમાર સોનાર બાંગ્લા…’ને બાંગ્લાદેશે રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું છે. બાંગ્લાદેશના એક બાળકે આ ગીત ગાયું છે. તો બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ ક્યારે અને કેવી રીતે બન્યો તેની વાત પણ રસપ્રદ છે. તેનું પ્રારંભિક સંસ્કરણ ઢાકામાં રહેતા વેપારી દ્વારા દાનમાં આપવામાં આવેલા કપડાંમાંથી બનાવવામાં આવ્યું હતું. તેને ઢાકામાં રહેતા એક હિંદુ ડિઝાઇનરે બનાવ્યું હતું.

કોણે બનાવ્યો બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ?
બાંગ્લાદેશમાં શિબ નારાયણ દાસ નામના વ્યક્તિ ડિઝાઇનર અને વેક્સિલોગ્રાફર હતા. તેઓ વિદ્યાર્થી નેતા પણ હતા. બાદમાં ડિઝાઇનર અને વેક્સિલોગ્રાફર બન્યા હતા. બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ જે આપણે જોઈએ છીએ કે લીલા રંગના લંબચોરસમાં લાલ રંગનું મોટું વર્તુળ છે, તે શિબ નારાયણ દાસ દ્વારા બનાવવામાં આવ્યું છે. જ્યારે તેમણે 1972માં આ ધ્વજ બનાવ્યો ત્યારે આ લાલ વર્તુળમાં બાંગ્લાદેશનો પીળા રંગનો નકશો પણ હતો, જેને પાછળથી હટાવી દેવામાં આવ્યો હતો. કારણ કે તેને ધ્વજની બંને બાજુએ એક સરખો દેખાડવો મુશ્કેલ કામ હતું. દાસનું 19 એપ્રિલે ઢાકામાં 77 વર્ષની વયે અવસાન થયું હતું.

આ ધ્વજ શું કહે છે?
CIA વર્લ્ડ ફેક્ટબુક મુજબ, લીલી પૃષ્ઠભૂમિ બાંગ્લાદેશની લીલીછમ ખેતી દર્શાવે છે, જ્યારે મધ્યમાં લાલ વર્તુળ સ્વતંત્રતા સંગ્રામમાં બાંગ્લાદેશીઓ દ્વારા વહેવડાવવામાં આવેલા લોહીનું પ્રતીક છે.

બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું?
પ્રસિદ્ધ સાહિત્યકાર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું. આ ગીત બંગાળી ભાષામાં લખવામાં આવ્યું હતું. અંગ્રેજોએ ધર્મના આધારે બંગાળને બે ભાગમાં વહેંચી દીધું હતું, તે સમયે ગુરુદેવે 1906માં બંગાળના ભાગલા સમયે આ ગીત લખ્યું હતું. આ ગીત બંગાળમાં એકીકરણનું વાતાવરણ બનાવવા માટે લખવામાં આવ્યું હતું. 1972માં જ્યારે બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે તેણે આ ગીતની પ્રથમ દસ પંક્તિઓને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારી હતી.

તેમની કવિતા બે દેશોમાં રાષ્ટ્રગીત બની હતી
રસપ્રદ વાત એ છે કે, રવિન્દ્રનાથ ટાગોર વિશ્વના એકમાત્ર એવા વ્યક્તિ છે જેમની કવિતા બે દેશોમાં રાષ્ટ્રગીત તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમણે ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન…’ પણ લખ્યું છે. ભારતીય બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950ના દિવસે સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રગીત તરીકે આ ગીત સ્વીકાર્યું હતું. ત્યારબાદ 22 વર્ષ પછી 13 જાન્યુઆરી, 1972ના દિવસે ટાગોરનું વધુ એક જૂનું ગીત ‘અમાર સોનાર બાંગ્લા…’ને સત્તાવાર રીતે બાંગ્લાદેશના રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપવામાં આવી હતી.

બંગાળના આ ભાગમાં પાકિસ્તાનના લશ્કરી શાસકો જ્યારે દમનનું ચક્ર ચલાવી રહ્યા હતા, ત્યારે તેમના ગીતોએ પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ઓળખની ચેતના ઉભી કરી હતી. તેથી તેમના ગીતોએ પાકિસ્તાની મુસ્લિમ ઓળખથી અલગ બંગાળી ઓળખની ભાવના બનાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ જેમ જેમ સ્વાયત્તા માટેની ચળવળ વધતી ગઈ, તેમ તેમ ટાગોરનું ગીત ‘અમાર સોનાર બાંગ્લા…’ લોકપ્રિય બન્યું હતું.

આ ગીત પ્રથમ વખત બંગદર્શનના સપ્ટેમ્બર 1905ના અંકમાં પ્રકાશિત થયું હતું, જેમાં બંગાળની સુંદર ભૂમિનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ એક બંગાળી અલગતા ગીત છે, જે વિવિધ બંગાળી મહિનાઓ અને તેમના મોસમી ફેરફારોનો ઉલ્લેખ કરે છે.