January 7, 2025

બનાસકાંઠામાં જ્ઞાતિગત રાજકારણ, ભાજપ-કોંગ્રેસના મજબૂત ઉમેદવાર; કોણ જંગ જીતશે?

banasknatha politics lok sabha election 2024 bjp rekha chaudhary congress geniben thakor who will win

ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે.

રતનસિંહ રાઠોડ, બનાસકાંઠાઃ ભારત-પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. સરહદી વિસ્તાર, શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તાર. લોકસભા બેઠકની વાત કરીએ તો બનાસકાંઠાની લોકસભા બેઠક પર જાતિવાદનું રાજકારણ છે અને આ જાતિવાદના રાજકારણના આટાપાટામાં ભાજપ અને કોંગ્રેસમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે. આમ તો બનાસકાંઠામાં કુલ 25 લાખ મતદાતા છે અને 9 વિધાનસભા છે. પરંતુ કાંકરેજ અને વડગામ વિધાનસભા પાટણ જિલ્લામાં જાય છે, એટલે 19.58 લાખ જેટલા મતદારો બનાસકાંઠાની બેઠક પર આ વખત મતદાન કરવાના છે. ત્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં બંને મહિલાઓ વચ્ચે રસપ્રદ જંગ રહેશે.

જગતજનની મા અંબાના દર્શન કરી અને શુભકાર્યનો આરંભ થતો હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મા અંબાના આશીર્વાદ મેળવી અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જાતિવાદનું ગણિત અને જાતિવાદનું સમીકરણ ગણાતી બનાસકાંઠા લોકસભા બેઠક પર બનાસની બેનના સિમ્બોલ સાથે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે મેદાનમાં ઉતરતાં જ પ્રચાર અને પ્રસાર જોરશોરથી શરૂ કર્યો છે.

ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરી

ગેનીબેન ઠાકોરને ઠાકોર સમાજ અને કોંગ્રેસની વોટબેંક પર ભરોસે છે અને વિશ્વાસ છે. ગેનીબેનને કોંગ્રેસની વોટબેંક અને ઠાકોર સમાજને ભરોસે ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. કોંગ્રેસ પાસે 3.25 લાખથી વધુ ઠાકોર મતદાર છે. 90,000 જેટલા મુસ્લિમ મતદાર છે. 1.5 લાખ જેટલા આદિવાસી મતદાર છે. 1.60 લાખ જેટલા દલિત મતદાર છે. જો કે, બનાસની બેન અને મહિલા સશક્તિકરણ ઉદાહરણ લઈને ગેનીબેન ચૂંટણી લડવા નીકળ્યા છે અને ફાયર બ્રાન્ડ ગણાતા આ નેતાને આ વખત મતદાતા ઉપર ખૂબ ભરોસો છે અને જીતનો પાકો વિશ્વાસ છે. જો કે, અત્યારે તો ગેનીબેનને પ્રચાર-પ્રસાર દરમિયાન આવકાર મળી રહ્યો છે. જાતિવાદનું ગણિત પણ પરફેક્ટ છે, પરંતુ બીજી તરફ મુશ્કેલીઓ પણ એવીને એવી જ છે.

કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતાઓ અને આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને બીજા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે આ આગેવાનોને કારણે કોંગ્રેસની જે મતબેંક હતી તેમાં પણ ગાબડા પડ્યા છે. જ્યારે કોંગ્રેસ પાસે જિલ્લામાં અત્યારે બીજા કોઈ એવો આગેવાન નથી કે, જે સાચવી શકે. એક આખા સમાજને સમજાવી શકે. જો કે, ગેનીબેન ઠાકોર ફાયર બ્રાન્ડ નેતા છે એટલે એમને અત્યારે આવકાર અને પ્રચાર તો સારો મળી રહ્યો છે, પરંતુ મહત્વની બાબત એ છે કે, કોંગ્રેસની વોટબેંક તો છે પરંતુ મતદાન નથી થતું અને જેને કારણે કોંગ્રેસને નુકસાન ભોગવવું પડે છે. એટલે કે અત્યારે તો ગેનીબેન ઠાકોર માટે સમીકરણ સારા છે, પરંતુ આગામી સમયમાં સમીકરણો બદલાય તો નવાઈ નહીં.

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર

બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભામાં નવા ચહેરાને તક આપી છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈના પૌત્રી અને શિક્ષિત ઉમેદવાર રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. આમ તો લોકસભાની ચૂંટણીની તવારીખ જોઈએ તો બનાસકાંઠા લોકસભા કોંગ્રેસનો ગઢ રહી છે, પરંતુ છેલ્લી પાંચ ટર્મના ગણિત જોઈએ તો 1998માં ભાજપમાંથી હરિભાઈ ચૌધરી જીત્યા હતા. તો 2004માં કોંગ્રેસના હરિસિંહ ચાવડા અને 2009માં કોંગ્રેસમાંથી મુકેશ ગઢવી જીત્યા હતા. જો કે, 2012માં મુકેશ ગઢવીનું અવસાન થતા ફરીથી પેટાચૂંટણીમાં હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી. જ્યારે 2014માં પણ હરિભાઈ ચૌધરીને જીત મળી હતી. ત્યારે 2019માં પરબતભાઈ પટેલ ભાજપમાંથી જીત્યા હતા. ત્યારે બનાસકાંઠામાં ભાજપ પાસે પણ જાતિગત સમીકરણો છે. જેમાં 2.5 લાખથી વધુ ચૌધરી મતદારો છે, જ્યારે 55 હજાર જેટલા પાટીદાર મતદારો છે. ત્યારે ભાજપની વોટબેંક ગણાતા અન્ય 9 લાખ જેટલા મતદારો છે. ભાજપ માટે સારું કહી શકાય કે, કોંગ્રેસના મોટા આગેવાનો ભાજપમાં આવ્યા છે. જ્યારે ભાજપનું બુથ મજબૂત હોય છે, કાર્યકરો મજબૂત હોય છે અને મતદારોને મતદાન સુધી તેના કાર્યકરો લઈ જઈ શકે છે. એટલે ભાજપને જીતનો જશ મળે છે. મોટેભાગે છેલ્લી ત્રણ ટર્મથી મોદી લહેર ચાલે છે અને મોદી લહેરમાં ભાજપના ઉમેદવારની જીત થાય છે. ત્યારે ડીસા, ધાનેરા, પાલનપુર જેવા મત વિસ્તારોમાંથી ભાજપ કોંગ્રેસના કાંકરા ખેરવવામાં સફળ રહ્યું છે, એટલે જાતિવાદી સમીકરણ અને ભાજપની વોટબેંકને જોતા અને છેલ્લી ત્રણ બેઠકોનો ઇતિહાસ જોતા જીત ભાજપને પણ મળી શકે છે.

આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે એટલે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોનું માનવું છે કે, બનાસકાંઠા પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે એટલે સિંચાઈના પાણીની સમસ્યા છે. જો કે, સરહદી વિસ્તાર છે, ત્યાં નર્મદાના પાણીની કેનાલોની વ્યવસ્થા તો થઈ છે, પરંતુ જિલ્લાના પાલનપુર, વડગામ, ડીસા, અમીરગઢ, દાંતા જેવા તાલુકાઓમાં કેનાલની સુવિધા અથવા સિંચાઈના પાણીની સુવિધા થઈ નથી. ટ્રાફિકનો પણ પ્રશ્ન પેચીદો છે. ત્યારે રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવ પણ અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે. જો કે, તારંગા-આબુરોડ રેલવે લાઇન પ્રોજેક્ટ, નડાબેટ ટુરીઝમ તરીકે ડેવલપમેન્ટ, જેસોર અભ્યારણ, બાલારામ વિશ્વેશ્વર જેવા તીર્થ સ્થળોનો વિકાસ પણ થયો છે. ત્યારે મતદારો જાતિવાદના રાજકારણથી પર રહી અને મત આપવા માગે છે. જો કે, વિકાસના કામો ઘણાં ઓછા થયા છે અને ઘણી વધુ જરૂરિયાત છે.

બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે, એટલે પાણીની સમસ્યા રહેવાની. પરંતુ રાજકીય વિશ્લેષક અને સિનિયર પત્રકારોનું પણ માનવું છે કે, એક પણ સરકાર બનાસકાંઠાના વિકાસ કરવામાં સફળ રહી નથી. પ્રાથમિક સુવિધાઓ પાણી અને અન્ય પ્રશ્નોમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંને સરકારો નિષ્ફળ ગઈ છે. જો કે, ભાજપ અને કોંગ્રેસે બંને મોટી કોમમાંથી આવતા ઉમેદવારોને ટિકિટ આપી છે, એટલે આ વખતે નિર્ણાયક મતો ઈત્તર કોમના રહેશે.

આ પણ વાંચોઃ ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની જાહેરાત, 15 મિનિટમાં જ FB પોસ્ટ ડિલીટ

બનાસકાંઠા લોકસભાનો જંગ રસપ્રદ બનવાનો છે. કારણ કે બંને મહિલાઓ છે અને બંને મહિલાઓ મોટા સમાજમાંથી આવે છે. રેખા ચૌધરી અને ગેની ઠાકોર આ બંને મહિલાઓ પોતાના પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. હવે આ બંને મહિલા ઉમેદવારો ઉતરકોને આકર્ષવામાં કેટલી સફળ થાય છે અથવા તો મતદારોને મતદાન મથક સુધી લઈ જવા કેટલી સફળ થાય છે તે જોવાનું રહેશે. આ સાથે લોકસભામાં 70% મતદાન થતું હોય છે અને કોઈપણ એક પક્ષના મતદારો નીરસ રહે છે, એટલે તેની હાર થાય છે. તેથી હવે જોવાનું રહ્યું કે, મતદાન કેટલું થાય છે અને કયો પક્ષ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે સફળ થાય છે.

બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. આ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર પોતાનું જીવન નિર્ભર રાખી રહ્યા છે. આ જિલ્લો પશુપાલનને વરેલો હોવાથી જ આ જિલ્લામાં આવેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે. આ જિલ્લાના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, આ જિલ્લામાં 9 વિધાનસભાઓ આવેલી છે. કાંકરેજ, દિયોદર, વાવ, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, વડગામ અને દાંતા એમ નવ વિધાનસભાઓ આવેલી છે. જેમાંથી ચાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે. તો ચાર બેઠકો ઉપર ભાજપના ધારાસભ્યો જીતેલા છે. ધાનેરા વિધાનસભા બેઠક અપક્ષના ફાળે ગઈ છે. અપક્ષના માવજી દેસાઈ ધાનેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.

થરાદ ધારાસભ્ય શંકર ચૌધરી ભાજપના દિગ્ગજ નેતા ગણાય છે, તો સાથે જ વિધાનસભા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. જો કે, જિલ્લામાં કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના શંકર ચૌધરી જે સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડતા હોય છે, તે સીટ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જો કે, જિલ્લાના લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો લોકસભામાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવારો જીતતા આવે છે, જેમાં બે વખત હરિભાઈ ચૌધરી તો ગત ટર્મમાં ભાજપના પરબત પટેલ સાંસદ તરીકે રહી ચૂક્યા છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મહિલા ઉમેદવારો ઉતારી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંતુ જિલ્લાના બંને મોટા સમાજ આમને સામને ચૂંટણીનું જંગ ખેલવાના છે. જેમાં એક તરફ ભાજપ ગલબા કાકાના નામે ચૂંટણી લડવા મેદાને છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠા તેમની દીકરીનું મામેરું ઉપર છે, તે મુદ્દાને લઇ મેદાને ઉતર્યું છે. જો કે, અત્યારે તો બંને ઉમેદવારો પોતપોતાની રીતે ગ્રાઉન્ડ પર ઉતરી જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ બનાસકાંઠાની જનતા ગલબા કાકાનું ઋણ ચૂકવે છે કે, પછી ગેનીબેનનું મામેરું ભરે છે તે જોવું રહ્યું.