દાંતાના ભેમાળ ગામે ડામર-કોરી પ્લાન્ટથી લોકો પરેશાન, રોડ પર ઉતરી આંદોલન કર્યું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ દાંતા તાલુકાના ભેમાળના ગ્રામજનો ડામર પ્લાન્ટ, કોરી પ્લાન્ટથી પરેશાન થઈ અને રોડ પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ‘આ ડામર પ્લાન્ટ બંધ કરો. કારણ કે ભેમાળ ગામના પાંચ વ્યક્તિઓ કેન્સરને કારણે મોતને ભેટ્યા છે.’
ભેમાળ પાસે આવેલા ડામર પ્લાન્ટો અને કોરીઓમાંથી ડસ્ટ ઉડે છે, પહાડમાંથી પથ્થરો તોડવા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. તેને કારણે આ પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે કે, રાહદારીઓ વાહનચાલકો-સ્થાનિકો આ તમામ પરેશાન થયા છે. ભેમાળ ગામના ગ્રામજનો ખેતરમાં કોઈ પાક નથી લઈ શકતા. તેમના પશુઓને પણ આની અસર થાય છે. ડામર પ્લાન્ટોમાંથી ડસ્ટ એ હદે ઉડે છે કે, ભેમાળ ગામ બીમારીઓનું ગામ બની ગયું હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે.
વારંવાર પ્રદૂષણ અધિકારીઓને આની રજૂઆત કરી છે, પરંતુ આ ડામર પ્લાન્ટો સામે કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે આખું ગામ રોડ પર ઉતરી આવ્યું હતું અને ડામર પ્લાન્ટ બંધ કરવાની માગ કરી હતી. જો કે ભેમાળ ગામની નજીક જ ડામર પ્લાન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે અને જેને કારણે આ ડામર પ્લાન્ટ ગ્રામજનો માટે ખતરારૂપ બન્યા છે. તેમની માગણી છે કે, પ્રદૂષણ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ આવા ડામર પ્લાન્ટો સામે કાર્યવાહી કરે અને તેના નીતિ-નિયમો જળવાય તેવી કાર્યવાહી કરે.