December 3, 2024

વડગામ-ખેરાલુ નેશનલ હાઇવે પરનો પુલ જર્જરિત બન્યો, અનેક ગાબડાં પડતા જોખમી બન્યો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ વડગામ તાલુકાના પીલુચા અને નગાણા વચ્ચેનો જર્જરીત પુલ જોખમી બન્યો છે. આ પુલ પર ગાબડું પડ્યું છે અને જેના લીધે વાહનચાલકો અકસ્માતની ભીતીએ ચાલી રહ્યા છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ તંત્ર દ્વારા મોટા ગાબડામાં પોતાની પુલ ઢાંકવા માટે માટી નાંખી દેવાય છે. જો કે, પુલની નીચે સિંચાઈ વિભાગે કરેલી કરોડોની પ્રોટેક્શન વોલ પણ વિવાદમાં આવી છે.

વડગામ ખેરાલુ નેશનલ હાઇવે નંબર 58 પર પીલુચા અને નગાણા વચ્ચે આવેલો પુલ જોખમી બન્યો છે. આ જર્જરીત પુલ પર ગાબડું પડ્યું છે અને એને ઢાંકવા માટે કોન્ટ્રાક્ટરે માટી નાંખી છે. વડગામથી પીલુચા તરફ જવાના બ્રિજના માર્ગ પર વરસાદને લીધે મસમોટું ગાબડું પડ્યું અને રોડ બેસી ગયો. ત્યારબાદ તંત્ર અને કોન્ટ્રાક્ટરે આ ગામડું પૂરવાની જગ્યાએ પોલ ન દેખાય તે માટે ગાબડાને ઢાંકવા માટે માટી નાંખી દીધી હતી. જો કે, ગાબડું મોટું છે અને ગમે ત્યારે રોડ બેસી જાય તેવી સ્થિતિ છે. ત્યારે આ બ્રિજ પણ અત્યંત જોખમી બન્યો છે. કારણ કે વર્ષો જૂનો બ્રિજ છે અને અનેક ઠેકાણેથી તૂટી ગયો છે અને બ્રિજ પર ચાલવાના રોડ પર પણ ખાડા પડી ગયા છે. જેથી સ્થાનિકોની માગ છે કે, વારંવાર રજૂઆત છતાં તંત્ર સાંભળતું નથી અત્યારે તો હાલ તાત્કાલિક પડેલું ગાબડું વ્યવસ્થિત રીતે પુરાય તેવી માગ છે.

નગાણા અને પીલુચા વચ્ચે પુલ પર જે ગાબડું પડ્યું છે. તેનાથી ભય ઊભો થયો છે. આવતા જતા વાહનચાલકો અકસ્માતની ભીતિએ ચાલી રહ્યા છે. ગાબડું પડવાની સાથે રોડ પણ બેસી ગયો છે. જેને ઢાંકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જ્યારે બ્રિજની નીચે સિંચાઈ વિભાગએ પ્રોટેક્શન વોલ બનાવી છે, તેમાં માત્ર પથ્થર ગોઠવી દેવાયાં છે અને એ પણ વિવાદમાં છે. ત્યારે કરોડોના ખર્ચે બનાવેલી પ્રોટેક્શન વોલ અને છ માસ અગાઉ બનાવાયેલો બ્રિજનો રોડ તૂટી જતા અત્યારે તો અકસ્માતનું જોખમ છે.