February 23, 2025

બનાસકાંઠામાં સત્તાધીશોના પાપે ઉમરદશી નદી નકશામાંથી ગાયબ! પટમાંથી દબાણ હટાવવાની માગ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ રાજ્યમાં હવે નદીઓ લુપ્ત થઈ રહી છે અને પૂરની પરિસ્થિતિમાં શું દશા થાય છે તે આ વખતે વડોદરામાં જોયું છે. ત્યારે બનાસકાંઠામાં પાલનપુરમાં લડબી નદીને બિલ્ડરો અને પાલિકાના સત્તાધીશોએ સાવ લુપ્ત કરી નાંખી છે. પરંતુ હવે પાલનપુર તાલુકાની ઉમરદશી નદી પણ લુપ્ત થવાને આરે છે. આ નદીમાં દબાણ થઈ જવાને કારણે નદીનો પટ ગાયબ થયો છે. જો કે, સરકારે 200 કરોડના ખર્ચે આ નદીમાં નર્મદાના પાણી નાંખવાનું તો નક્કી કર્યું છે, પરંતુ દબાણ જ્યાં સુધી છે તો પાણી નાખવાનું અર્થ શું?

અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળતી ઉમરદશી નદી અત્યારે લુપ્ત થવાને આરે છે. વર્ષો પહેલાં આ નદી બે કાંઠે વહેતી હતી. ધાનધાર પંથકમાં ખેતી થતી અને આ નદીના પાણીથી આ વિસ્તાર સમૃદ્ધ હતો. પરંતુ પાણીના સ્તર ઘટ્યા તેમ તેમ આ નદીનો પટ પણ દબાણ હેઠળ આવી ગયો. અત્યારે પરિસ્થિતિ એ છે કે, આ નદીમાં પાકા દબાણ છે. લોકોએ ખેતરો બનાવી દીધા છે અને નદીના પટ અને પ્રવાહને રોકી દીધો છે. અનેક નદીઓ લુપ્ત થવાને આરે છે, પરંતુ હવે ઉમરદશી નદીને લઈને માગ ઉઠી છે કે આ નદીને બચાવી લેવાય.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં સગર્ભા મહિલાઓને સહાય ન આપવાના કૌભાંડનો પર્દાફાશ, PMVY-નમોશ્રી યોજના કાગળ પર

રાજ્યના સિંચાઈ વિભાગે 200 કરોડના ખર્ચે નર્મદાના પાણીથી સિંચાઈનો ખેડૂતોને લાભ મળે એ હેતુથી ઉમરદશી નદીમાં પાણી નાંખવાનું નક્કી કર્યું છે. પરંતુ આ દબાણો જ્યાં સુધી દૂર ન થાય નદીનો પટ જ્યાં સુધી ખુલ્લો ન થાય ત્યાં સુધી પાણીનો અર્થ નથી. આ નદી લુપ્ત થાય તેની પહેલા સરકાર અને તંત્રએ આ નદીના પટને ખુલ્લો કરાવવો જોઈએ તેવી માગ ઉઠી છે.

પાલનપુર તાલુકા વિકાસ અધિકારી પણ કબૂલે છે કે, નદીમાં દબાણો થયા છે અને આને લઈને એક મિટિંગ પણ કરાવી છે અને જે દબાણ છે તે દૂર કરવાની સૂચના આપી છે. કારણ કે આગામી સમયમાં આ નદી પર ચેકડેમ પણ બનવાનો છે. નર્મદાના પાણી પણ આવશે. ત્યારે આ નદીના પટ અને પ્રવાહને ખુલ્લો કરી નાંખવામાં આવશે તેવી અત્યારે તો તંત્ર બાંહેધરી આપી રહ્યું છે.