June 23, 2024

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પાણીનો પોકાર, 100 પરિવાર મજબૂર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગના તમામ દાવા પોકળ સાબિત થયા છે. નલ સે જલ યોજના માત્ર કાગળ પર છે તો વાસ્મો અંતર્ગત બનાવેલી પાણીના ટાંકા ખાલી છે અને હેન્ડપંપમાં પણ પાણી ઓછું થઈ જવાને કારણે અનેક હેન્ડપંપ કોરા ધાકોર છે. ત્યારે એક જ હેન્ડપંપ થકી 100 જેટલા પરિવારો પાણી ભરી ઉપાડી અને પાણી પીવા મજબૂર છે.

દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે. એક હેન્ડપંપ પર આદિવાસી મહિલાઓની પાણી ભરવા કતારો હોય છે. દિવસભરની મજૂરી બાદ પીવાના પાણી માટે લાઇનમાં ઊભા રહેવું પડે એ પાણી પુરવઠા વિભાગની સગવડોની ખાતરી આપે છે. દાંતા તાલુકામાં અનેક ગામોમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર છે. તળેટી, ભદ્રમાળ, ધાબા વાળી વાવ, ધરેડા, કુવારસી, બાનુદરા સહિતના અનેક ગામોના લોકો પીવાના પાણી માટે વલખાં મારે છે. નળ સે જળ યોજનાના નળ તો પહોંચ્યા છે. પરંતુ ટાંકા ખાલી છે. નળમાં પાણી નથી હેન્ડપંપ સુકાઈ ગયા છે અને અન્ય કોઈ પાણીની વ્યવસ્થા નથી. જેથી અંતરિયાળ વિસ્તારના લોકોની માગણી છે કે, યોજનાનું પાણી ઘર સુધી પહોંચે.

પીવાનું પાણી પૂરું પડવા માટે પાણી પુરવઠા વિભાગની ગ્રાન્ટ વપરાય છે. તાલુકા પંચાયતની ગ્રાન્ટ વપરાય છે અને ટ્રાઇબલની પણ ગ્રાન્ટ વપરાય છે. પરંતુ આ ગ્રાન્ટ ક્યાં જાય છે એ એક મોટો સવાલ છે. વિસ્તારોમાં પાણીના સુવિધા ન હોવાને કારણે હેન્ડપંપ પરથી પાણી ભરવું પડે છે અને લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પાણીની લાઈન માટેના દર્દનાશક દ્રશ્યો જોવા મળતા હોય છે અને પીવાના પાણી માટે લોકો વલખાં મારતા જોવા મળી રહ્યા છે. જો કે, છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને વિસ્તારોમાં પાણી પહોંચાડે છે કે, પછી વિસ્તારના લોકો પાણીની માગ સાથે રસ્તા પર ઉતરવા મજબૂર બને છે.

પાણી પૂરું પાડવાની જવાબદારી સિંચાઈ વિભાગની છે અને સિંચાઈ વિભાગનું વાસ્મો યુનિટ નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન પહોંચાડી અને પાણી પૂરું પાડે છે. પરંતુ દાંતા તાલુકામાં મોટાભાગના એવા ગામડા છે. જ્યાં યોજના પહોંચી નથી અથવા તો અન્ય કોઈ પીવાના પાણીની વ્યવસ્થા નથી. એટલે કે સરકારની આ ગ્રાન્ટ ક્યાં જાય છે, ત્યારે ક્યાં સુધી લોકો પાણી માટે વલખા મારશે તે જોવું રહ્યું.