June 30, 2024

Shivdhara Resortમાં અસામાજિક તત્વોનો આતંક, નશાની હાલતમાં મહિલાની છેડતી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુરના મલાણા નજીક આવેલો શિવધારા રિસોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ત્રણ દિવસ અગાઉ રાજસ્થાનના બાડમેરના યુવક સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું હતું. ત્યારબાદ ગત રાત્રે અમદાવાદના પરિવારને નશાની હાલતમાં રિસોર્ટમાં રહેલા અસામાજિક તત્વોએ છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, છ માસ અગાઉ પણ રિસોર્ટમાં યુવકના મોતના મુદ્દે હોબાળો મચ્યો હતો. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, શિવધારા રિસોર્ટમાં કોઈપણ પ્રકારની સેફ્ટી નથી એટલે કે પરિવારોએ અને લોકોએ હવે સાવચેત બની અને શિવધારા રિસોર્ટમાં જવું પડશે.

લોભામણી અને લલચામણી જાહેરાતો આપી અને રિસોર્ટના સંચાલકો ગ્રાહકોને આકર્ષે છે અને રિસોર્ટમાં જ્યારે ગ્રાહક આવે તેને કડવા અનુભવ થતા હોય છે. પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલા શિવધારા રિસોર્ટમાં અમદાવાદના પરિવારને કડવો અનુભવ થયો છે. અમદાવાદના આ પરિવારે એજન્ટ દ્વારા રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું હતું. ત્યારબાદ રિસોર્ટમાં પરિવાર આનંદ માણવા ગયો હતો, પરંતુ ત્યાં આ પરિવારને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. મહત્વનું છે કે, આ પરિવારને રાતોરાત રિસોર્ટ બદલી અને અન્યત્ર જગ્યાએ રહેવું પડ્યું હતું.

અભ્યારણ્યમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે શિવધારા રિસોર્ટ

પરિવારના આક્ષેપો પ્રમાણે, શિવધારા રિસોર્ટમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે. આ ઉપરાંત નશો કરી અસામાજિક તત્વો રિસોર્ટમાં તોફાન મચાવે છે અને મહિલાઓની છેડતી કરે છ. જો કે, તેના સંચાલકો પણ અસામાજિક તત્વો સામે આંખ આડા કાન કરે છે. જેના પરિણામે સારા પરિવારોને ભોગવવું પડે છે. ત્યારે અમદાવાદના પરિવાર સાથે આ પ્રકારની હેરાનગતિ સામે આવી છે. જો કે, ત્રણ દિવસ અગાઉ રાજસ્થાનના બાડમેરના યુવકો અહીં આવ્યા હતા. પરંતુ સેફ્ટીની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે એક યુવકનું મોત થયું હતું. ત્યારે પોલીસે કાર્યવાહી કરવાની બદલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને રિસોર્ટના માલિકને છાવર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, છ માસ અગાઉ માનવાડા ગામના એક યુવક પણ સ્વિમિંગ પૂલમાં સંચાલકોની બેદરકારીને કારણે મોતને ભેટ્યો હતો. ત્યારે છેલ્લા છ માસથી આ પરિવાર પણ તેમના પુત્રના ન્યાય માટેની લડાઈ લડી રહ્યો છે, પરંતુ પોલીસ આ રિસોર્ટના માલિકોને છાવરી રહી છે. જેને લઈને રિસોર્ટમાં ખુલ્લેઆમ દાદાગીરી અને અસામાજિક તત્વોની પરેશાની સહિત મોતના કિસ્સાઓ બને છે. પરંતુ આ રિસોર્ટના સંચાલકો સામે કોઈપણ પ્રકારના પગલાં લેવાતા નથી. ત્યારે હવે શિવધારા રિસોર્ટમાં જતા પહેલાં પીડિત મહિલાઓનો સંદેશ છે ક, ત્યાં જતા પહેલાં સોવાર વિચાર કરજો અને ચેતીને આ રિસોર્ટમાં જજો.

રાજસ્થાનનો યુવક ત્રણ દિવસ અગાઉ મોતને ભેટ્યો હતો. ત્યારે તેના પરિવારજનો પણ આજે રિસોર્ટના સંચાલકો ઉપર FIR કરવાના છે. પરંતુ મહત્વની બાબત એ છે કે, પોલીસ તેમની ફરિયાદ લે છે કે નહીં. કારણ કે અગાઉ પણ બે ઘટનામાં પોલીસે ફરિયાદ લીધી નથી. કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. એક તરફ જોવા જઈએ તો આ રિસોર્ટનો રસ્તો ગૌચરમાંથી બનાવવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર રસ્તો છે. ત્યારે રિસોર્ટની પાછળ સેન્ચ્યૂરી લાગે છે અને છતાં પણ સેન્ચ્યૂરીમાં રિસોર્ટના બાંધકામની પરમિશન આપી અને તંત્રએ પણ તેમાં બરાબરનો ભાગ ભજવ્યો છે. ત્યારે મોટા ગજાના નેતાનો કહેવાતો આ રિસોર્ટ છે અને જેને કારણે પોલીસ તંત્ર અને સરકાર ચૂપ છે.