આ રીતે ભણશે ગુજરાત? વિદ્યાર્થી-શિક્ષકોને માથે ઝળૂંબે છે મોત
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં આવેલી એક શાળામાં વિદ્યાર્થીઓ દરરોજ મોત માથે રાખીને ભણે છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી માત્ર ‘સબ સલામત’ના દાવા કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવાં પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી બ્રાન્ચ શાળા નંબર-3 આવેલી છે. છેલ્લા ઘણાં સમયથી આ શાળા જર્જરિત હાલતમાં છે. ત્યાં શિક્ષણ મેળવતા બાળકો અને શિક્ષણ આપતા શિક્ષકોને મોતનો ડર સતાવી રહ્યો છે. આ શાળામાં ધોરણ એકથી આઠ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે, જેમાં 500 જેટલા બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. જો કે, શાળાના ઓરડા જર્જરિત થતા શાળાના જીણોદ્ધાર કરવા માટે શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ રજૂઆત કરી છે, પરંતુ તે રજૂઆતોને પણ વર્ષો વીત્યા છતાં આ માગ માત્ર કાગળો પર જ અટકી પડી છે. હાલ આ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં પડવાની વાંકે ઉભેલા છે. તે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. અહીં ભણતા બાળકો પણ રોજ મોતના મુખમાં શિક્ષાના પાઠ શીખવા આવતા હોય તેવી પરિસ્થિતિ છે.
ઓરડા જર્જરિત બનતા હાલમાં આ શાળા સવાર અને બપોર એમ બે પાળીમાં ચલાવવા માટે અહીંના શિક્ષકો મજબૂર બન્યા છે. શિક્ષકોનું કહેવું છે કે, શાળાના ઓરડા જર્જરિત હાલતમાં ઉભા છે આ ગંભીર સમસ્યા અંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ વારંવાર રજૂઆત કરી છે. જો કે, તેમ છતાં નવા ઓરડા બન્યા નથી. જેથી હાલમાં જર્જરિત ઓરડા નીચે જ શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. જો કે, આ શાળાના બાળકોને ભણાવવા માટે અન્ય કોઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી.
એક તરફ પ્રવેશોત્સવ કાર્યક્રમથી મોટા ખર્ચ કરી માત્ર ફોટા પડાવતા નેતાઓ અને અધિકારીઓ માત્ર શિક્ષણનીતિ સુધારવા માટેના દેખાડા કરાતા હોય છે, જ્યારે આવી જર્જરિત શાળાઓને નવી બનાવવા માટે વર્ષો વીતે છતાં તેની માગ અદ્ધરતાલ જ રહે છે.