CM ભૂપેન્દ્ર પટેલે પોઇન્ટ 0 નડાબેટમાં કર્યા યોગ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જોડાયા
બનાસકાંઠાઃ નડાબેટમાં વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાનો સહિત નાગરિકો સાથે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમની સાથે જોડાયા છે.
પોઇન્ટ 0 પર રાજ્યકક્ષાની ઉજવણીઃ હર્ષ સંઘવી
વિશ્વ યોગ દિવસને લઈ રમતગમત મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, 21 જૂન દુનિયાભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. વિદેશ સહિત ભારતમાં આવતીકાલે તમામ લોકો યોગ કરતા નજરે પડશે, જે આપણા માટે ગૌરવની વાત છે કે આપણી સંસ્કૃતિ દુનિયા સુધી પહોંચશે. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી બે દેશની સરહદો પર પોઇન્ટ 0 પર જઈને નાગરિકો સાથે યોગ કરશે. મુખ્યમંત્રી આગેવાનીમાં રાજયકક્ષાના કાર્યકમનું નડાબેટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હજારો લોકો જોડાશે. યોગ દિવસની ઉજવણી બાદ મુખ્યમંત્રી બોર્ડર પર સુરક્ષા રાખનારા જવાનો સાથે મુલાકાત કરીને ભોજન કરશે.
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 8 મનપા, 20 નગરપાલિકા, 231 તાલુકામાં 312 સ્થળો પર હજારોની સંખ્યમાં આવતીકાલે કાર્યક્રમો આયોજિત છે. અત્યાર સુધીમાં કુલ સવા કરોડ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. હજુ પણ કેટલીક સંસ્થાઓ અને સોસાયટી પણ યોગમાં જોડાશે. છેલ્લા 5 માસથી બોર્ડર પર યોગનું આયોજન ચાલી રહ્યું છે. યોગને માત્ર યોગ દિવસ પૂરતું નહિં દરરોજ યોગ કરે તે માટે રાત દિવસ કામ ચાલી રહ્યું છે. લોકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એક યોગ સેન્ટર બને તે માટેની કામગીરી ચાલી રહી છે જે તમામ શહેરો અને જિલ્લામાં શરૂ કરવામાં આવશે.સામાન્ય નાગરીકો યોગની સાધના કરે અને યોગ કરી શકે રાજ્યના રમતગમત વિભાગે આયોજન કર્યું છે.