ઇન્સ્ટામાં ‘જીનલ આહીરાણી’ નામની આઇડીથી ગુજરાત પોલીસને બદનામ કરતા વ્યક્તિની ધરપકડ

બનાસકાંઠાઃ ગુજરાત પોલીસને બદનામ કરતી માહિતી અને વીડિયો અપલોડ કરતી ‘જીનલ આહીરાણી’ નામનું ઇન્સ્ટા એકાઉન્ટ ચલાવનારની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા અને ગુજરાત પોલીસને બદનામ કરતા વીડિયો છેલ્લા એક વર્ષથી આ આઇડીમાંથી અપલોડ કરવામાં આવતા હતા.
અલગ અલગ લોકોએ આરોપીને ઉકસાવી અને વીડિયો સહિત ખોટી માહિતી અપલોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસને બદનામ કરવાનું ષડ્યંત્ર હોય તો તેની પણ તપાસ થઈ રહી છે. ડીસા તાલુકાના જૂના નેસડા ગામના ગોવિંદ રાઠોડ નામના આરોપીને પોલીસે ઝડપ્યો છે.
થરાદ, દાંતીવાડા, આગથળા અને દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી છે. આરોપી ગોવિંદ રાઠોડ એક દિવસના રિમાન્ડ પર ધાનેરા પોલીસ પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અન્ય સમૂહના નામ આવશે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે. ડીપીમાં IPS પૂજા યાદવનો ફોટો રાખનારા ગોવિંદ રાઠોડ સામે અન્ય કલમ પણ ઉમેરવામાં આવી છે. પોલીસના વિવાદિત અને પોલીસને બદનામ કરતાં વીડિયો insta પર ચલાવનારની ગઈકાલે ધાનેરા પોલીસે ધરપકડ કરી હતી.