ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલનું રાજીનામુ

જોઇતા પટેલ - ફાઇલ તસવીર
ધાનેરાઃ ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામુ આપ્યું છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામુ આપ્યું છે. પૂર્વ ધારાસભ્યએ પ્રદેશ પ્રમુખને રાજીનામુ મોકલ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાંગરા ખરતા હોય તેવું લાગી રહ્યું છે.
ગઈકાલે પૂર્વ સાંસદ ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં રીતસરનો ભરતી મેળો ચાલુ થયો હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પહેલા આદિવાસી બેલ્ટમાં ભાજપે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. સૂત્રોનું માનીએ તો, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. પાંચ વખત લોકસભા સાંદસ અને UPA સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂકેલા નારણ રાઠવા ભાજપમાં જોડાશે. મોહન રાઠવા બાદ ભાજપનું આદિવાસી બેલ્ટમાં બીજું મોટું ઓપરેશન છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નારણ રાઠવાનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે.
આપ-કોંગ્રેસ ભેગા મળીને પણ કંઈ નહીં કરી શકેઃ સીઆર પાટીલ
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે શનિવારે સીટ શેરિંગની જાહેરાત કરી હતી. બંને પાર્ટીઓએ દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢ માટે સીટની ભાગીદારી કરી હતી. આ રાજ્યોમાં બંને પાર્ટી સાથે મળીને NDAને ટક્કર આપશે. તો ગુજરાતમાં ભરૂચ સીટ આપના ખાતામાં આવી છે. આ સીટને લઈને ખૂબ ખેંચતાણ થઈ હતી. પરંતુ છેલ્લે સીટ કેજરીવાલને મળી ગઈ. તેને લઈને ભાજપે પ્રહાર કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી ત્યાં સારું પ્રદર્શન કરી શકશે નહીં અને હારી જશે.