ધાનેરાને બનાસકાંઠામાં રાખવાનો વિરોધ વકર્યો, બંધનું એલાન રાખી સમર્થન
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાંથી થરાદ-વાવ જિલ્લાનું નિર્માણ કરતા વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે. દિવસેને દિવસે વિરોધ વધી રહ્યો છે. ધાનેરા તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા છેલ્લા 20 દિવસથી લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા બજારના વેપારીઓએ બજાર બંધ રાખી સમર્થન આપ્યું હતું. ત્યારે આજે જન આક્રોશ સભાનું પણ આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કેટલાય વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું નિર્માણ થાય તે માટેની રજૂઆતો થતી હતી. ત્યારે સરકારે હવે બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ-વાવ જિલ્લાનું નવું નિર્માણ કર્યું છે. જો કે, નવો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે જિલ્લામાં ક્યાંક ખુશી છે તો ક્યાંક નારાજગી પણ સામે આવી રહી છે. ધાનેરા તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા 20 દિવસથી લોકો વિરોધ કરી રહ્યા છે.
લોકોનું કહ્યું છે કે, અમને થરાદ જિલ્લામાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. બનાસકાંઠા જિલ્લામાં અમારા તમામ વ્યવહારો વેપાર ધંધા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છીએ, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અમને યથાવત રાખવામાં આવે. જ્યારે લોકોએ આજે સૂત્રોચ્ચાર કરી અને બજારો બંધ રાખ્યા હતા અને જનઆક્રોશ સભામાં જોડાવા માટેલ પણ લોકોને અપીલ કરી હતી.
ધાનેરામાં આજે જનઆક્રોશ સભાને લઈ ધાનેરા બંધનું એલાન કરાયું હતું. જેમાં ધાનેરા બજાર બંધ રહ્યું હતું. ધાનેરાને થરાદ-વાવ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને લઈ આજે તમામ વેપારી એસોસિએશને જનઆક્રોશ સભાને સમર્થન આપ્યું હતું. બહારના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. સવારથી જ ધાનેરાની બજારમાં આવેલી દુકાનો બંધ જોવા મળી હતી. જો કે, હાઇવે વિસ્તારમાં બજારો ખુલ્લી પણ જોવા મળી હતી.
છેલ્લા વીસ દિવસથી ધાનેરા વિસ્તારના લોકો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ યથાવત રાખવા માટેની માંગ કરી રહ્યા છે. લોકોને થરાદ-વાવ જિલ્લામાં જવું નથી. ત્યારે આ માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક આગેવાનો તેમજ લોકો ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તેમનું કહ્યું છે કે, વર્ષોથી અમે ધાનેરા તાલુકો પાલનપુર સાથે જોડાયેલો છે. અનેક પારાવારિક વ્યવહારો શિક્ષણના વ્યવહારો તેમજ જનતા રોજગારના વ્યવહારો પણ પાલનપુર સાથે જોડાયેલા છે. ત્યારે ધાનેરા તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેને લઈને માંગ કરી રહ્યા હતા.
ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા ખાતે જનઆક્રોશ સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધાનેરાના વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતનાં આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. છેલ્લા વીસ દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે જનઆક્રોશ સભામાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા.
ધાનેરામાં યોજાયેલી આ જનઆક્રોશ સભામાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના નેતાઓએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના મામલે યોજાયેલી જનઆક્રોશ સભામાં ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ પહોંચ્યા હતા અને તેમને જનઆક્રોશ સભાને સંબોધતા કહ્યું હતું કે, ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસનથી પાલનપુર સાથે જોડાયેલી હતી. તેને તોડી અલગ કરવાનું કોઇ દુસાહસ કરવાનું કામ કર્યું છે. સરકારને ગેરમાર્ગે દોરી વિભાજન થયું છે. વિભાજનમાં નવા જિલ્લામાં ઓછા તાલુકા હોય અને જૂના જિલ્લામાં વધારે તાલુકા હોય. ત્યારે નવા થરાદ-વાવ જિલ્લામાં વધારે તાલુકા ભેળવી સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી છે. આ વાત સરકારના ધ્યાને આવી છે. ધાનેરાના સામાજિક-આર્થિક, આરોગ્ય અને શિક્ષણલક્ષી તાણાવાણા પાલનપુરથી જોડાયેલા છે, તેથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે.
આ જનઆક્રોશ સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ પહોંચ્યા હતા. સભામાં નિવેદન આપતા કહ્યું હતું કે, ધાનેરાના લોકો સરકારના નિર્ણયથી દુઃખી છે. સરકારે ફેરવિચારણા કરવી જોઈએ. ધાનેરાના લોકો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છે. શિક્ષણની વાત હોય, ધંધા-રોજગારની વાત હોય, તમામ વ્યવહારો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છે. ત્યારે ધાનેરાને જો થરાદ જિલ્લામાં મૂકવામાં આવે તો તમામ લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. ત્યારે આ બાબતે સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી છે ત્યાં ફરી મૂકવામાં આવે તેવી માગ કરીએ છીએ.