બનાસકાંઠાનું વિભાજન થતાં કાંકરેજ-દિયોદર અને ધાનેરામાં વિરોધ
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ કેબિનેટમાં મંજુરી બાદ જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ દિયોદર અને ધાનેરામાં વિરોધનો સૂર ઉઠ્યો છે. કાંકરેજ અને ધાનેરા તાલુકાના આગેવાનો અને લોકોની માગ છે કે, તેમને બનાસકાંઠામાં સમાવાય જ્યારે દિયોદરના લોકોની માગ છે કે, વાવ થરાદને બદલે દિયોદરને જિલ્લો જાહેર કરાવાય. આ બધાની વાત વચ્ચે એક વાત આવે છે કે, થરાદને જિલ્લો જાહેર કરવાથી અનેક રાજકીય લોકોના કદ વેતરાઈ જશે.
બનાસકાંઠાના જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. સૌથી પહેલો વિરોધ કાંકરેજથી શરૂ થયો હતો. કાંકરેજના લોકોએ ગઈકાલે વિરોધનો સૂર પ્રગટ કર્યો હતો. ત્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ કાંકરેજને બનાસકાંઠામાં સમાવવાની માગ કરી હતી. કાંકરેજ અને થરાદ વચ્ચેનું અંતર વધી જવાથી અને પાલનપુર સાથે કનેક્ટિવિટી હોવાથી કાંકરેજને બનાસકાંઠામાં સમાવાની માગ કરી છે. આજે કાંકરેજના આગેવાનોએ થરા અને શિહોરીમાં બજારો બંધ રાખી અને વિરોધ પ્રગટ કર્યો હતો. જો કાંકરેજને બનાસકાંઠામાં નહીં સમાવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે, લોકો રોડ પર આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
બીજી બાજુ, આ જ પરિસ્થિતિ ધાનેરામાં થઈ હતી. ધાનેરામાં પણ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ સહિત ખેડૂત આગેવાનો પણ રોડ પર ઉતરી આવ્યા હતા. સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માગ કરી હતી. જો કે, ધાનેરાને જો થરાદમાં સમાવાય તો અનેક રાજકીય લોકોના કદ વેતરાઈ જાય તેવા પણ આક્ષેપો છે.
દરેક ભાજપના નેતાઓ અને આગેવાનો પાછલા બારણેથી આ વિરોધને આહ્વાન આપી રહ્યા હોય તેવું પણ ચિત્ર દેખાઈ રહ્યું છે. ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિતના ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ પણ અગાઉ વિધાનસભામાં વાત કરી હતી કે, દિયોદરને જિલ્લો બનાવાય, પરંતુ દિયોદરના લોકોની વાત સરકારે ધ્યાને નથી લીધી અને વાવ થરાદને જિલ્લો જાહેર કરી દીધો છે.ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ દિયોદરમાં રોડ પર ઉતરી આવ્યા હતા અને દિયોદરને જિલ્લો જાહેર કરવાની માગ કરી હતી. આ બધા વચ્ચે બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધનો સૂર તો ઉઠ્યો છે પરંતુ આગામી સમયમાં આ વિરોધ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું.