December 5, 2024

બનાસકાંઠામાં કેનાલના રિનોવેશનમાં હલકી ગુણવત્તાનું કામકાજ હોવાથી ખેડૂતોએ કામ અટકાવ્યું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં કેનાલનો ભ્રષ્ટાચાર સામાન્ય બાબત છે. વારંવાર કેનાલો તૂટે છે અને ખેડૂતોને નુકસાન થાય છે, પરંતુ હવે સરહદ વિસ્તારના ખેડૂતો આ ભ્રષ્ટાચારને ચલાવી લેવાના મૂડમાં નથી અને જેને કારણે તેમને મમાણાથી સુઈગામ જતી 10 કિલોમીટરની કેનાલનું કામ અટકાવ્યું હતું.

રાજ્ય સરકારે સરહદ વિસ્તારના ખેડૂતોને પાણી મળી રહે તે હેતુથી કેનાલોનું નિર્માણ કર્યું છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કેનાલમાં ગાબડાં પડવાનો, કેનાલ તૂટી જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લીધે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. હજુ જે કેનાલોનું રીનોવેશન થઈ રહ્યું છે, તેમાં પણ હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે. સરહદ વિસ્તાર મમાણાથી સુઈગામ સુધી 10 કિલોમીટરની કેનાલનું કામ સુઈગામ પંથકના ખેડૂતોએ અટકાવી દીધું હતું. કારણ કે તેમાં સિમેન્ટની જગ્યાએ માટીનું વધુ પડતું મિશ્રણ હતું. જ્યારે જ્યાં સ્લેબ ભરવાના હતા ત્યાં સિમેન્ટની આખી થેલીઓ મૂકી દેવામાં આવી હતી. આ હલકી ગુણવત્તાવાળા કામને લઈને ખેડૂતોએ કેનાલના કામને અટકાવી દીધું હતું.

આ પણ વાંચોઃ પોલીસ-તંત્રની સામે લોકોની જાહેરમાં મહેફિલ, કારમાંથી બિયરના ટિન કાઢી ગટગટાવ્યાં

કેનાલમાં હલકી ગુણવત્તાવાળું કામ થાય છે અને જેને લીધે કેનાલ તૂટે છે. ત્યારે ખેડૂતને ખૂબ મોટું નુકસાન થાય છે. કેનાલોના પાણી ખેડૂતના ખેતરમાં ઘૂસી જતા હોય છે અને જેને કારણે ખેડૂતોના પાકો નિષ્ફળ થતાં હોય છે અને તેમને નુકસાન થતું હોય છે. જેને લઈને મમાણાથી સુઈગામની બ્રાન્ચ કેનાલનું 10 કિલોમીટરનું કામ હતું. તેમાં હલકી ગુણવત્તાવાળું કામ હતું અને ખેડૂતોને આગામી સમયમાં આ કેનાલ તૂટી જવાની દહેશતના ભાગરૂપે તેમને કામ અટકાવ્યું છે. તેમની માગણી છે કે, કેનાલનું કામ વ્યવસ્થિત થાય જેથી આવનારા સમયમાં ખેડૂતને નુકસાન ન થાય ત્યારે ખેડૂતોની જે અત્યારે એક જ માગ છે કે, આ કામગીરી તાત્કાલિક ધોરણે સારી કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમામ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.