January 5, 2025

સતત બીજા દિવસે બનાસકાંઠામાં બબાલ, ધાનેરા-દિયોદરના લોકોનો વિરોધનો સૂર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના વિભાજન બાદ ધાનેરા-દિયોદર અને કાંકરેજ વિસ્તારના લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે સતત બીજા દિવસે પણ ધાનેરા વિસ્તારના આગેવાનો સહિત યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ સમાવેશ રાખવા માટેની માગ કરી છે.

બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માગણી ઉઠી રહી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા, કાંકરેજ તાલુકાના પણ થરાદ વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે ધાનેરા વિસ્તારના લોકો છેલ્લા બે દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં યુવાઓ પાલનપુર કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને બનાસકાંઠામાં જ સામેલ રાખવા માટેની ઉગ્ર માગ કરી છે.

ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કે, ધાનેરાના લોકોએ ક્યારેય થરાદ જોયું નથી. ધાનેરા વિસ્તારના લોકો વ્યવસાયથી સમાજથી પાલનપુર સાથે જોડાયેલા છે. ત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગ ધાનેરાના લોકો કરી રહ્યા છે.’

ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કે, ધાનેરાના છેવાડે આવેલા વાછોલ, બાપલા સહિતના ગામો થરાદથી સો કિલોમીટર જેટલા દૂર પડે છે. ત્યાં સુધી વાહનો મળવા પણ મુશ્કેલ બને છે એટલે કે જો ધાનેરાને થરાદમાં સામેલ કરવામાં આવે તો સુવિધાઓ ઓછી અને દુવિધાઓ વધુ થઈ શકે છે. ત્યારે સરકાર પોતાના નિર્ણય ઉપર ફેર-વિચારણા કરીને ધાનેરા તાલુકાને બનાસમાં જ સામેલ રાખે તેવી માગ આજે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં સરકાર અંગે નિર્ણય નહીં લેતો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ યુવાઓએ ચીમકી ઉચ્ચારી છે.’