બનાસકાંઠાના ગામલોકોની ચીમકી, રેતી ચોરી નહીં અટકે તો ચૂંટણીનો બહિષ્કાર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી ન થતા હવે અમીરગઢ તાલુકાના બે ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા છે. બંને ગામના લોકોએ રેતી ચોરી નહીં અટકે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમીરગઢના અવાળા અને અરણીવાડા ગામની સીમમાં રેતી ચોરી અટકાવવા અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા ગામલોકોએ અનેકવાર રજૂઆતો કરી છે. મામલતદારથી ખાણખનીજ વિભાગ સુધી તંત્રનુ ધ્યાન દોરવામાં આવ્યું છે. તે છતાં આજદિન સુધી ગેરકાયદેસર રેતી ચોરી અટકી નથી અને ભૂમાફિયા બેફામ રેતી ચોરી કરી રહ્યાના આક્ષેપ કર્યા છે. જેથી આ બંને ગામના લોકો આખરે આકરાપાણીએ જોવા મળી રહ્યા છે.
ગામલોકોનું કહેવું છે કે, બનાસ નદીમાંથી ભૂમાફિયા કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વિના નશાની હાલતમાં ટ્રેકટરોમાં રેતી ભરી બેફામ ટ્રેકટર હંકારે છે. જેથી અકસ્માત સર્જાઈ રહ્યા છે. શાળાએ જતા બાળકોને અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે. આ અગાઉ પણ માર્ગ બંધ કરી ગામના લોકોએ સરકાર અને તંત્ર સામે અવાજ ઉઠાવી આ સમસ્યાના સમાધાન માટે આક્રમક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ત્યારે માથાના દુખાવા સમાન આ ભૂમાફિયાઓ પર લગામ કસવામાં નિષ્ફળ રહેલા તંત્ર સામે રોષ ઠાલવતા ગામલોકોએ જ્યાં સુધી રેતી ચોરી નહીં અટકે અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ચૂંટણીથી અળગા રહી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.