કૃષિ યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે અધિકારીઓને તપાસ સોંપાઈ, જરૂરી પગલાં લેવાશેઃ રાઘવજી પટેલ
જામનગરઃ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડના પુરાવા મળવા મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યુ છે કે, ‘આ સમગ્ર મામલે અધિકારીઓને તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે. અધિકારીઓની તપાસ બાદ રિપોર્ટ જે પણ આવશે ત્યારબાદ જરૂરી પગલાં લેવાશે. યુનિવર્સિટીના VCની નિમણુંક મારા કાર્યકાળ સમયે ન થઈ હોવાથી મને એ બાબતે કોઈ ખ્યાલ નથી.’
શું છે સમગ્ર મામલો?
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડના પુરાવા મળ્યા છે. વર્ષ 2013-14 અને વર્ષ 2021માં થયેલી ભરતીમાં કૌભાંડના આક્ષેપો થયા હતા. ત્યારે ભરતી કૌભાંડને લઈને લોકાયુક્તમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી. વર્ષ 2013-14માં ખેતીવાડી મદદનીશની 36 જગ્યાઓમાં ગોટાળાની ફરિયાદ થઈ હતી. દસાડા તાલુકાના ઉમેદવારે લોકાયુક્તમાં આ મામલે ફરિયાદ કરી છે. વર્ષ 2020માં રવીન્દ્ર ચૌહાણ વીસી બનતાની સાથે ભરતીનું આયોજન કર્યું હતું. તે સમયે ખેતીવાડી અધિકારી અને મદદનીશની 58 જગ્યાઓ માટે આયોજન કર્યું હતું.
આ ભરતીમાં 20થી 22 લાખનું સેટિંગ પાડી પાસ કરી દેવાનો આરોપ લાગ્યો હતો. આ ભરતી કૌભાંડમાં કેટલાક યુવકોની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. 20થી 22 લાખ રૂપિયા આપી અને પરીક્ષામાં પાસ થવાની વાતો કરી રહ્યા હતા. ખેતીવાડી મદદનીશ બનેલા ધ્રુવીલ પટેલની કચ્છના કોઠારા ખાતે બદલી કરવામાં આવી હતી. વીસી રવિન્દ્ર ચૌહાણ ભરતી કૌભાંડ અને અનેક વિવાદોથી ઘેરાયેલા હોવા છતાં કેવી રીતે આ પદે પહોંચ્યા તે પણ એક પ્રશ્ન છે.