November 22, 2024

બહરાઇચ હિંસામાં બુલડોઝર એક્શન પર બુધવાર સુધી પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

Supreme Court on Bulldozer Action: સુપ્રીમ કોર્ટ બુધવારે બહરાઇચ હિંસાના ત્રણ આરોપીઓની અરજી પર સુનાવણી કરશે. ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશ સરકારે પણ સુપ્રીમ કોર્ટને બુધવાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપી છે. વાસ્તવમાં, આરોપીઓએ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી ડિમોલિશન નોટિસને પડકારતી અરજી દાખલ કરી છે. અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંહે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરતાં તાત્કાલિક સુનાવણીની અપીલ કરી. વકીલે કહ્યું કે રાજ્ય સરકારે નોટિસનો જવાબ આપવા માટે માત્ર ત્રણ દિવસનો સમય આપ્યો છે.

સિંહે કહ્યું કે અરજદાર સંખ્યા-1ના પિતા અને ભાઈઓએ આત્મસમર્પણ કર્યું છે અને નોટિસ કથિત રીતે 17 ઓક્ટોબરે ઇસ્યુ કરવામાં આવી હતી અને 18મીની સાંજે ચોંટાડી દેવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘અમે રવિવારે સુનાવણી માટે વિનંતી કરી હતી પરંતુ તે થઈ શક્યું નહીં.’ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કોર્ટને જણાવ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે વિચાર કર્યો છે અને નોટિસનો જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

આ પણ વાંચો: માધબી પુરી બૂચને મળી ક્લીન ચિટ! 4 મહિનાનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે SEBI ચેરપર્સન

અરજદારોના વકીલે કહ્યું કે હાઈકોર્ટે કોઈ સંરક્ષણ નથી આપ્યું. ત્યારબાદ, કોર્ટે SSGને બુધવાર સુધી કોઈ કાર્યવાહી ન કરવા મૌખિક સૂચના આપી છે અને અને તે જ દિવસે કેસ લિસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાજગંજમાં એક પૂજા સ્થળની બહાર ઊંચા અવાજે સંગીત વગાડવાને લઈને થયેલ આંતર-ધાર્મિક વિવાદમાં ગોળી વાગવાથી 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. આ ઘટનાથી સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી અને ઈન્ટરનેટ સેવા ચાર દિવસ સુધી સ્થગિત રહી હતી.