પાકિસ્તાનમાં હિન્દુ મંત્રી પર હુમલો, શાહબાઝ શરીફે આપ્યા તપાસના આદેશ

Pakistan: પાકિસ્તાનમાં હિન્દુઓની સુરક્ષિત નથી. ત્યારે હવે ફક્ત સામાન્ય હિન્દુઓ જ નહીં પરંતુ પાકિસ્તાન સરકારમાં હિન્દુ મંત્રીઓ પણ સુરક્ષિત નથી. સિંધ પ્રાંતમાં એક હિન્દુ રાજ્યમંત્રી પર નવી નહેરોની યોજનાઓનો વિરોધ કરી રહેલા વિરોધીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સાંસદ ખેલદાસ કોહિસ્તાની જે ધાર્મિક બાબતોના રાજ્યમંત્રી છે. શનિવારે થટ્ટા જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક વિરોધીઓએ તેમના કાફલા પર ટામેટાં અને બટાકા ફેંક્યા અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોહિસ્તાનીને કોઈ નુકસાન થયું નથી.
વડાપ્રધાને હિન્દુ મંત્રીને ખાતરી આપી
મળતી માહિતી અનુસાર વડા પ્રધાન શાહબાઝ શરીફે કોહિસ્તાનીને ફોન કર્યો હતો અને તેમને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “જનપ્રતિનિધિઓ પર હુમલો અસ્વીકાર્ય છે, આ ઘટનામાં સામેલ લોકોને કડક સજા આપવામાં આવશે.”
وزیر مملکت مذہبی امور کھیل داس کوہستانی پر ٹھٹھہ میں حملہ کس نے کیا خود ان کی اپنی زبانی سنیے۔
pic.twitter.com/qtRseTaHaM
— WAQAR SATTI
(@waqarsatti) April 19, 2025
પાકિસ્તાની નેતાઓની નિંદા
પાકિસ્તાનના ઘણા નેતાઓએ સાંસદ ખેલદાસ કોહિસ્તાની પર થયેલા હુમલાની નિંદા કરી છે. માહિતી મંત્રી અત્તા તરારે સિંધના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ગુલામ નબી મેમણ પાસેથી ઘટનાની વિગતો અને સંઘીય ગૃહ સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે પણ આ કૃત્યની કડક નિંદા કરી છે. એક નિવેદનમાં શાહે કહ્યું કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.
તેમણે હૈદરાબાદ ક્ષેત્રના નાયબ પોલીસ મહાનિરીક્ષકને હુમલામાં સંડોવાયેલા બદમાશોની તાત્કાલિક ધરપકડ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.
કોહિસ્તાની કોણ છે?
નેશનલ એસેમ્બલીની વેબસાઇટ પરની વ્યક્તિગત વિગતો અનુસાર, કોહિસ્તાની સિંધના જામશોરો જિલ્લાના છે અને 2018 માં પીએમએલ-એન તરફથી પહેલીવાર સંસદ સભ્ય બન્યા હતા. પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યા પછી તેઓ 2024 માં ફરીથી ચૂંટાયા હતા અને તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.