November 22, 2024

યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ચારેકોર ધોધ વહેતા થયા, જુઓ અદ્ભુત નજારો

પંચમહાલ: પાવાગઢ ડુંગર પર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ઠેર ઠેર નદી નાળા ભરાઇ ગયા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ચારે તરફ ધોધ શરૂ થયા છે ત્યાં જ હિલ સ્ટેશનને પણ ભુલાવી દે એવો કુદરતી નજારો સામે આવ્યો છે. અહીં વરસાદને પગલે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

પાવાગઢ ખાતે વરસાદની સિઝનમાં આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. પાવાગઢ ડુંગરના પગથિયાં ઉપર જાણે સાગર ગૂંગવતો હોય એમ પગથિયાં ઉપર પાણી વહેતા થયા છે. દર્શનાર્થીઓએ આ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

પાવાગઢ ડુંગર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે હાલોલ અને તેની આસપાસના વિસ્તારના નદી નાળા ભરાઇ ગયા છે. વરસાદી માહોલમાં હાથણી ધોધ પર પ્રવાસીઓની સંખ્યામાં જબરજસ્ત વધારો થતો હોય છે.

પાવાગઢમાં મહાકાળી મા ના દર્શન કર્યાં પછી તેની આસપાસમાં જ ખૂબ પ્રખ્યાત એવા પર્યટક સ્થળો આવેલાં છે. હાલમાં આ તમામ સ્થોળો પર પ્રકૃતિના અદભુત સાનિધ્યના દર્શન થઈ રહ્યા છે , પંચમહાલ જિલ્લાનું પ્રખ્યાત જળાશય હાથણી માતાનો ધોધ પણ અહીં આવેલો છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ આ સુંદર પર્યટન સ્થળ એટલે હાથણી માતાનો ધોધ. જ્યાં ચોમાસામાં ભક્તો ભગવવાન શિવના દર્શન કરવા અને સાહસિકો કુદરતને માણવા પહોંચે છે.