February 23, 2025

તેલંગાણામાં ટનલનો ભાગ તૂટી પડતાં કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા. PM મોદીએ CM રેડ્ડીને કર્યો ફોન

Roof in Slbc Tunnel Project Collapses in Telangana: આજે તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ના બાંધકામ હેઠળના વિસ્તારમાં છતનો એક ભાગ તૂટી પડ્યો. આ અકસ્માતમાં કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે કન્સ્ટ્રક્શન કંપનીની ટીમ એસેસમેન્ટ માટે અંદર ગઈ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 6 થી 8 કામદારો ફસાયેલા હોવાની આશંકા છે. કામદારોને બચાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. PM મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રીને ફોન કર્યો અને SLBC ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા અંગે ચર્ચા કરી. PM મોદીએ બચાવ કાર્યમાં તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની પરિસ્થિતિ પર નજર
મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત પગલાં લેવા માટે અકસ્માત સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશો અનુસાર, રાજ્યના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડી, સિંચાઈ બાબતોના સરકારી સલાહકાર આદિત્યનાથ દાસ અને અન્ય સિંચાઈ અધિકારીઓ ખાસ હેલિકોપ્ટરમાં ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

કામદારો કામ માટે અંદર ગયા હતા
અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક કામદારો કામ માટે અંદર ગયા હતા ત્યારે સુરંગની અંદર 12-13 કિલોમીટર અંદર એક ભાગની છત તૂટી પડી.’ જોકે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં મૃતકોની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.