July 7, 2024

આસામ પૂર: કાઝીરંગા નેશનલ પાર્કમાં 17 જંગલી જાનવર ડૂબ્યા, 72નું કરાયું રેસ્ક્યૂ

Assam Flood: આસામમાં પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોની સાથે સાથે પૂરને કારણે જાનવરોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં બાળ ગેંડા અને હોગ ડીયર સહિત 17 જંગલી પ્રાણીઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે 72 જેટલા જુદા જુદા જાનવરોને વન અધિકારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. એક અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે હાલમાં 32 વન્ય પ્રાણીઓની સારવાર ચાલી રહી છે જ્યારે 25 જેટલા અન્ય જાનવરોને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યા છે.

આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. કારણ કે નેશનલ પાર્કના 173 વન શિબિરો હજુ પણ પૂરનો માર સહન કરી રહ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે જણાવ્યું છે કે, “પાર્ક સત્તાધીશો અને વન વિભાગ દ્વારા 55 હોગ ડીયર, 2 જળબિલાડી (બાળકો), 2 સાંબર, 2 સ્કોપ્સ ઘુવડ, 1 બાળ ગેંડા, 1 ભારતીય સસલું, 1 જંગલી બિલાડી સહિત જાનવરોને બચાવી લેવામાં આવ્યા છે.”

તો, આ દરમિયાન આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. બુધવારે રાજ્યમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થયા. રાજ્યમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે. કારણ કે 29 જિલ્લાઓના 16.25 લાખથી વધુ લોકો પૂરની બીજી લહેરથી પ્રભાવિત થયા છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ગોલપારા, નાગાંવ, નલબાડી, કામરૂપ, મોરીગાંવ, ડિબ્રુગઢ, સોનિતપુર, લખીમપુર, દક્ષિણ સલમારા, ધુબરી, જોરહાટ, ચરાઈદેવ, હોજાઈ, કરીમગંજ, શિવસાગર, બોંગાઈગાંવ, બારપેટા, ધેમાજી, હૈલાકાંડી, ગોલાઘાટ, દારંગ, વિશ્વનાથ, કછાર, કામરૂપ (એમ), તિનસુકિયા, કાર્બી આંગલોંગ, ચિરાંગ, કાર્બી આંગલોંગ વેસ્ટ, માજુલીનો સમાવેશ થાય છે.

પૂર પ્રભાવિત જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત 515 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રોમાં 3.86 લાખથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. ASDMAએ જણાવ્યું કે 11,20,165 જાનવરો પણ પૂરથી પ્રભાવિત થયા છે. NDRF, SDRF, અગ્નિશમન અને ઇમરજન્સી સેવાઓ, વહીવટીતંત્ર, ભારતીય સેના અને અર્ધ લશ્કરી દળોની રેસ્ક્યૂ ટીમો રેસ્ક્યૂ ઓપરેશન્સ ચલાવી રહી છે. તેઓએ વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને બુધવારે 8377 લોકોને બચાવી લીધા છે.