July 7, 2024

સુપ્રસિધ્ધ પરબધામ ખાતે થશે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢ-ભેંસાણ તાલુકાના સુપ્રસિધ્ધ પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભેંસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી 7 જુલાઈ ના રોજ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

પરબધામના મહંત કરશનદાસજી બાપુ ગુરૂ સેવાદાસ બાપુના સાંનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહામહોત્સવ અંતર્ગત 7 જુલાઈના સવારે 7.30 વાગ્યે કરશનદાસજી બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. સવારે પૂજન, અર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ, ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. એક પંગતમાં 1 લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાદ્ય-સામગ્રી લાવવા લઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે.

જણાવવામાં આવ્યું છે કે, ભક્તોને પ્રસાદમાં શુદ્ધ ધીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ ભાત, સંભારો પીરસવામાં આવશે. સ્વયંભુ યોજાતા આ લોકમેળામાં આવતા ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઈડસ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જોવા મળશે. પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડેપગે રહેશે.