December 27, 2024

મોડી રાત્રે ફરી આસારામની તબિયત બગડી, AIIMSમાં કરાયા દાખલ;

Asaram Admitted AIIMS: રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામને ત્રણ દિવસ પહેલા છાતીમાં દુખાવો થયો હતો. જેને લઇને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા. ગુરુવારે રાત્રે લગભગ 1:00 વાગ્યે તેમની તબિયત બગડતાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. આસારામના સ્વાસ્થ્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ એનિમિયાથી પીડિત છે અને તેમનું હિમોગ્લોબિન લેવલ 8.7 છે. તેના પેટમાં આંતરિક રક્તસ્ત્રાવ સહિતની સમસ્યાઓ માટે ડૉક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવી રહી છે. આસારામ સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી લોકોને ભીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે.

નોંધનીય છે કે 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત મહારાષ્ટ્રથી આવેલા આયુર્વેદના નિષ્ણાત દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આસારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી હતી, ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી.

આસારામને સગીર વયના યૌન શોષણના આરોપમાં જોધપુર કોર્ટમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે મુજબ આસારામ મૃત્યુ સુધી જેલમાં જ રહેશે. આસારામ વતી જામીન અને પેરોલને લઈને ડઝનબંધ અરજીઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તેમને ક્યાંયથી કોઈ રાહત મળી નથી.