PM નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન, 3 દિવસ ગુજરાતની મુલાકાતે

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજે PMનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, રાધવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના આગમનને લઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવો મળ્યો હતો. એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી PMએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનના આગમનને લઈ દિગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધી રોડ કોર્ડન કરવામાં આવ્યો હતો. PMના આગમન પહેલાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. PMના આગમનને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે પ્રથમ જામનગર જિલ્લાની મુલાકાત લેશે. રવિવારે વહેલી સવારે રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. વનતારાથી સાસણ જવા રવાના થશે. સાસણ ખાતે સિંહ દર્શન અને રાત્રી રોકાણ કરશે. PM મોદી સોમવારે વહેલી સવારે સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે દર્શન અને પૂજા-અર્ચના બાદ ટ્રસ્ટની બેઠક થઈ શકે છે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં અમિત શાહ પણ હાજર રહી શકે છે. સોમવાર બપોરે 2:30 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.