અમરેલીના મુંજીયાસર ગામે પોલીસ અને શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મંજીયાસર ગામમાં એક સાથે 20 કરતાં વધારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હાથ અને પગમાં ઈજાઓ થતા સમગ્ર મામલો અમરેલી જિલ્લામાં ચર્ચાના એરણે જોવા મળે છે અને પેન્સિલ શાર્પનરની બ્લેડનો ઉપયોગ થયો હોય અને વિદ્યાર્થીઓને ઈજા થવા જેવી ગંભીર બાબત સામે આવતા જ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ મુંજીયાસર ગામમાં પહોંચીને સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું નાનું એવું મુંજીયાસર ગામ અહીં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 20 જેટલા વિદ્યાર્થીઓને હાથ અને પગના ભાગે ઈજાઓ થવાનો મામલો પ્રકાશમાં આવતા શિક્ષણ તંત્રમાં ખળભડાટ મચી જવા પામ્યો હતો. મામલો માધ્યમોમાં ચાલતા જ શિક્ષણ વિભાગના અધિકારી અને પોલીસ વિભાગે આજે શાળામાં મુલાકાત કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમના વાલીઓ અને શાળામાં શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા શિક્ષકો સાથે બેઠક કરીને સમગ્ર મામલામાં નીચોડ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં બાળકોને ઇજાનો મામલો કોઈ ગુનાહિત કૃત્યો નહીં પરંતુ બાળકોએ સ્વયંમ તેમના હાથે કર્યું હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી છે તેના પર પોલીસ તપાસ કરી રહી છે.

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ બાળકોની ઈજાના મામલામાં શાળામાં જ તપાસ શરૂ કરી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકો તેના વાલીઓ શાળાના શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા શિક્ષકો અને ગામ લોકો સાથે તેમણે સંયુક્ત બેઠક કરીને સમગ્ર મામલામાં કોઈ ગુનાહિત કૃત્ય શાળાના શિક્ષકો કે શાળાના અન્ય કર્મચારીઓ દ્વારા આચરવામાં આવ્યું છે કે કેમ તેનો વિગતો મેળવી હતી તેમની વિગતમાં પણ સમગ્ર મામલો વિદ્યાર્થીઓએ સ્વયંમ શાળા કે શિક્ષણ કાર્ય સિવાયના સમયમાં કર્યો હોવાનું પ્રાથમિક જણાઈ આવે છે. તેમ છતાં જો આ કૃત્યોમાં કોઈપણ શાળાનો કર્મચારી કે શિક્ષક સામેલ જોવા મળશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની વાત જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી છે.

શાળાના મુખ્ય શિક્ષિકાએ પણ સમગ્ર મામલા સાથે જોડાયેલી વિગતો આપી છે સમગ્ર મામલો 18 અને 19મી માર્ચના દિવસે શાળામાં બન્યો હતો. શિક્ષકોને મામલાની જાણ થતા જ 21મી તારીખે શાળામાં વાલી મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડાયા હતા. સાથે સાથે બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ આ બેઠકમાં સામેલ થયા હતા. શિક્ષકો અને ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓના વાલીની હાજરીમાં વિદ્યાર્થીઓએ આ પ્રકારનું કૃત્ય સ્વયંમ તેમના હાથે અને કોઈ ઓનલાઇન ગેમ રમીને એકબીજાને પૈસા આપવાના બદલામાં પેન્સિલ છોલવાના શાર્પનરથી આ ઈજા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર મામલો વાલી મિટિંગમાં પૂર્ણ થઈ જતા શાળા તરફથી કે વિદ્યાર્થીઓના વાલી તરફથી કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી ન હતી.