ડોડા એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir Doda Encounter: સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ડોડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી પાસેથી એક M4 રાઈફલ ઉપરાંત એક એકે-47 મળી આવી છે. તેમણે કહ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે અને વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે શિવગઢ-અસાર પટ્ટામાં છુપાયેલા વિદેશી આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળો અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ગાઢ જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં કેપ્ટન દીપક સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે (14 ઓગસ્ટ 2024) સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયા બાદ આતંકવાદીઓ ઉધમપુર જિલ્લાના પટનીટોપ નજીકના જંગલમાંથી ડોડામાં પ્રવેશ્યા હતા. સુરક્ષા દળોને મંગળવારે સાંજે લગભગ 6 વાગે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. અડધા કલાક પછી બંને વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું.

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 26 જૂન, 2024 ના રોજ એક એન્કાઉન્ટરમાં, સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM) સાથે સંકળાયેલા હોવાની શંકા હતી.