મોડાસાના અમ્રતપુરા કંપામાં આભ ફાટ્યું! 500 વીઘાના મગફળી વાવેતરને નુકસાનની ભીતિ
સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા અમ્રતપુરા કંપા વિસ્તારમાં ગઈ કાલે આભ ફાટતાં 500 વીઘાના મગફળીના વાવેતરને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ બોરડી તરફ જતો રસ્તો પણ ધોવાઈ જતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસ્યો હતો. જિલ્લામાં શરેરાશ 1થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસા તાલુકાના અમ્રતપુરા કંપામાં આભ ફાટ્યું હોય તેમ બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેના કારણે આ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને આ વિસ્તારમાં ખેડૂતોએ 500 વીઘા જમીનમાં મગફળી પાકનું વાવેતર કર્યું છે. તેવામાં આભ ફાટતા ખેતરોમાં ભરાયેલા પાણીથી મગફળીના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ રાજ્યના 6 સ્ટેટ હાઇવે બંધ, ભારે વરસાદને કારણે હાલાકી
બીજી તરફ વરસાદે પાકનો તો સોંથ વાળ્યો છે અને સાથે સાથે મેઢાસણથી બોરડી થઈ સાબરકકાંઠા જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો પણ ધોઈ નાંખ્યો છે. આ રસ્તામાં મોટું ગાબડું પાડ્યું છે. જેના કારણે આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. તેવા સંજોગોમાં તંત્ર દ્વારા પાક નુકસાનીનો સરવે કરવામાં આવે તેમજ તૂટેલો રસ્તો રિપેરીંગ કરવામાં આવે તેવું સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે.