અરવલ્લીમાં ખાતરની અછત, રવિ સિઝનની શરૂઆતમાં જ ખેડૂતો પરેશાન
અરવલ્લીઃ જિલ્લામાં રવિ સિઝનની શરૂઆતથી જ વાવેતર સમયે ડીએપી અને યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ અને ચિંતાભરી બની છે.
અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 1 લાખ કરતાં વધુ જમીનમાં ઘઉં, મકાઈ, ચણા જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર ઘઉંના પાકનું થયું છે. ત્યારે સિઝનની શરૂઆતથી જ વાવેતર સમયે પાકના પાયામાં નાખવા ડીએપી ખાતરની જરૂરિયાત હતી, તે ના મળ્યું. તેમ છતાં આગળ ખાતર મળવાની આશાએ મોંઘાભાવે બિયારણ લાવી વાવેતર કર્યું, પણ વાવેતર બાદ ઘઉંના પાકને હાલ બીજુ પાણી સાથે યુરિયા ખાતર આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે યુરિયા ખાતર પણ ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે.
ખાસ કરીને જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમા ઘઉંનું વાવેતર કર્યું છે. હાલ પાક ઉગી ગયો છે. બીજા પાણી સાથે યુરિયા આપવું જરુરી છે. ત્યારે ખાતર નથી જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા સેવા સહકારી મંડળીઓને ખાતર આપવામાં અન્યાય કરવામાં આવતા ખેડૂતોને સ્થાનિક મંડળીઓમાં ખાતર મળતું નથી. તેના કારણે બહાર ખુલ્લા બજારમાંથી વધુ રૂપિયા આપી ખાતર લેવા મજબુર થવું પડી રહ્યું છે.
આ અંગે શામળાજી નજીકના શામલપુર ગામે આવેલી સેવા સહકારી મંડળીની મુલાકાત લેતા મંડળીના ચેરમેને જણાવ્યું હતું કે, મંડળી દ્વારા ગયા આઠમાં મહિનાથી ખાતર માટે ઓર્ડરો આપવામાં આવ્યા છે, પણ આજદિન સુધી ખાતર ફલાવવામાં આવ્યું નથી. જેને કારણે ગામના ખેડૂતો મંડળીના ધક્કા ખાઈ રહ્યા છે પણ ખાતર મળતું નથી.