December 21, 2024

ઉત્તર પ્રદેશમાં વધુ એક ટ્રેન દુર્ઘટના: અમરોહામાં માલગાડી પલટી, અનેક ટ્રેનો પ્રભાવિત

Train Accident: ઉત્તર પ્રદેશમાં રેલવે દુર્ઘટનાઓનો સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અમરોહા પાસે આજે વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. મુરાદાબાદથી દિલ્હી જતી માલગાડી અમરોહા રેલવે સ્ટેશન પાસે પલટી ગઈ. માલગાડીના ફુરચા ઊડી ગયા હતા. ગુડ્સ ટ્રેનના 10 ડબ્બા પલટી ગયા છે. જેમાં 2 ડબ્બા કેમિકલ ભરેલું છે, જ્યારે 8 ડબ્બા ખાલી હોવાનું કહેવાય છે.

જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. રેલવે ટ્રેક ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. જ્યારે દિલ્હી અને મુરાદાબાદથી આવતી ડઝનબંધ ટ્રેનોને અસર થઈ છે.

માલગાડી પલટી જવાના મેસેજ વહેતા થતા જ રેલવે વિભાગ સતર્ક બની ગયું હતું. રેલવે અને જીઆરપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગુડ્સ ટ્રેન અપ લાઇન પર હતી. જ્યારે પલટી ખાઈ જતાં માલગાડીના ડબ્બા ડાઉન લાઈન પર વિખેરાઈ ગયા હતા. અધિકારીઓના આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. માલગાડી પાટા પરથી ઉતરી જવાની દુર્ઘટના કેવી રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી.