November 24, 2024

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું મોત, 3 મહિનામાં 10 વિદ્યાર્થીનાં મોત

અમદાવાદ: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટના બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે ઓહાયો રાજ્યમાં ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયું છે. વર્ષ 2024ની શરૂઆતથી લઈને અત્યાર સુધીના 3 મહિનામાં ભારતીય અથવા ભારતીય મૂળના 10 વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ માહિતી આપતાં ન્યૂયોર્કના ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કરી કે, ‘ઓહાયોના ક્લેવલેન્ડમાં એક ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈ ગડ્ડેના નિધનથી ખૂબ જ દુઃખી છીએ.’ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ ચાલી રહી છે અને મૃતદેહને ભારત મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દૂતાવાસે કહ્યું કે તે ભારતમાં પરિવારના સંપર્કમાં છે. ઉમા ગડ્ડેના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત લઈ જવા સહિત તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.’

આ પણ વાંચો: ‘અમે પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું’, રાજનાથ સિંહે આપી ચેતવણી

નોંધનીય છે કે, અમેરિકામાં ભારતીય અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટનાઓ વધી છે. તેનાથી ભારત અને ભારતીય અમેરિકન સમુદાયમાં ચિંતા વધી છે. આ પહેલા અમેરિકાના જ્યોર્જિયામાં 25 વર્ષના વિવેક સૈનીની ડ્રગ એડિક્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જ્યારે 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનિગર ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શ્રેયસ ઓહાયોમાં લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી હતો.

આ સિવાય નીલ આચાર્ય પરડ્યુ યુનિવર્સિટી કેમ્પસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. નીલ આચાર્યની માતાએ તેમને ગુમ થયાની જાણ કરી હતી, જેના થોડા દિવસો પછી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય અમેરિકન મૂળના અકુલ ધવનનો મૃતદેહ ઇલિનોઇસ યુનિવર્સિટીની બહારથી મળી આવ્યો હતો. ભારતીય અમેરિકન સ્ટુડન્ટ સમીર કામથનો મૃતદેહ પ્રાકૃતિક સંરક્ષકમાંથી મળી આવ્યો હતો. કામથ પરડ્યુ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહ્યા હતા.