બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ મંદિર પર હુમલો, ઈસ્કોન સેન્ટરમાં પણ લગાવી આગ
Bangladesh: બાંગ્લાદેશમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ઈસ્કોન સેન્ટરમાં આગ લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઈસ્કોન સેન્ટરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિ પણ સળગી ગઈ હતી. મંદિરમાં રાખેલી બાકીની વસ્તુઓ પણ બળી ગઈ હતી. મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આગમાં નમહટ્ટાનું ઈસ્કોન સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હુમલા થઈ રહ્યા છે અને કટ્ટરપંથીઓ દ્વારા ઘણા હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના શાસન દરમિયાન, બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાની વધી રહેલી ઘટનાઓનો ભારતમાં વિરોધ વધી રહ્યો છે. ઇસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ વણસી ગયું છે. હિન્દુ સમુદાય પર કટ્ટરપંથીઓના હુમલામાં વધારો થયો છે. જેના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન તૈનાત કરવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો… અમરેલીમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો
સંહિતા સનાતની જાગરણ જોટ સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની 25 નવેમ્બરે ઢાકામાં ‘દેશદ્રોહ’ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 31 ઓક્ટોબરના રોજ સ્થાનિક રાજકારણીની ફરિયાદ બાદ કરવામાં આવી હતી, જેમાં ચિન્મય દાસ અને અન્ય લોકો પર હિન્દુ સમુદાયની એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ બાંગ્લાદેશમાં ફરીથી સ્થિતિ અસામાન્ય જોવા મળી.