November 28, 2024

વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો, વડોદરા ACBએ જુનિયર એન્જિનિયરની કરી ધરપકડ

વડોદરા: એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્ર ઊભું કરવાની વાતો કરી રહી છે તો બીજી બાજુ સરકારી બાબુઓ જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવા અનેક કિસ્સાઓ રોજે રોજ સામે આવતા રહે છે. ત્યારે, વડોદરાના કરજણથી MGVCLનો એક અધિકારી લાંચ લેતા ACBના હાથ ઝડપાઇ ગયો છે.

મળતી માહિતી મુજબ, કરજણમાંથી MGVCLનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો છે. જુનિયર એન્જિનિયરે 10 હજારની લાંચ માંગી હતી જે સ્વીકારતા તે વડોદરા ACBના હાથે ઝડપાઇ ગયો છે. જુનિયર એન્જિનિયરે નવુ વીજ કનેક્શન આપી ટ્રાન્સફોર્મર જગ્યા પર મુકવવા તેમજ નવુ વીજ મીટર આપવા લાંચ માંગી હતી. MGVCLના જુનિયર એન્જિનિયરની ઓળખ જયમિત પટેલ તરીકે થઈ છે. ACBએ જયમિત પટેલને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તો, થોડા દિવસ પહેલા, સુરત ટ્રાફિક પોલીસનો એક કર્મચારી પણ લાંચ લેતા ઝડપાયો હતો. સુરત ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ASI એન્ટિકરપ્શન બ્યૂરોના છટકામાં ઝડપાયા છે. એસીબી દ્વારા ટ્રાફિક ASI વિજય ચૌધરી અને ટ્રાફિક ASI વતી લાંચ લેનાર વચેટીયા સંજય પાટીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.