આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ હવે ત્રિભુવન સહકાર યુનિવર્સીટી બનશે

આણંદ: ગુજરાતના ગ્રામિણ અર્થતંત્રને વેગ આપનાર તેમજ ગરીબ અને પછાત પશુપાલકોને નવો રાહ ચીંધાનાર અમુલ, NDDB અને ભારતમાં શ્વેત્ક્રાંતિના પાયાના જનક ડૉ. વર્ગીસ કુરિયનની ગ્રામીણ ભારતને ઉન્નત બનાવવા સંકલ્પના બીજથી વટવૃક્ષ બનેલી આણંદની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ’ (IRMA) હવે ‘ત્રિભુવન સહકાર યુનિવર્સીટી’ બનશે. લોકસભામાં ‘ત્રિભુવન સહકાર યુનિવર્સીટી બિલ 2025’ રજૂ કરવામાં આવ્યું છે.

પશુપાલકોને નવો રાહ ચીંધી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવી ઉન્નત સમાજ અને સંસ્થાને મજબૂત ભવિષ્ય આપવા ડૉ. કુરિયનનો પુરૂષાર્થ જાણવા સૌએ એકવાર તેઓની આત્મકથા ‘I had a dream too’ સૌએ વાંચવી જોઈએ. તેમાં દર્શાવેલ IRMAની સ્થાપનાનું કારણ અને અનુભવ લખતા ડૉ. કુરિયનએ જણાવયું છે કે, દેશભરમાં શ્વેત્ક્રાંતિ સફળતા પર હતી. 1975 આવતા આવતા અમુલ અને NDDBના મજબૂત પાયાથી ભવ્ય ઇમારત તરફ આગળ વધી રહ્યા હતા.

આ સાથે ભવિષ્યમાં સંસ્થાના વિકાસ અને સંચાલન માટે કુશળ મેનેજરોની જરૂરિયાત ડૉ. વર્ગીસ કુરિયન જાણી ચૂક્યા હતા. તે દરમ્યાન ડૉ. કુરિયનના પિતરાઈભાઈ રવિ મત્થાઈ IIM-Aના બોર્ડ મેમ્બર હતા અને તેઓના માધ્યમથી ડૉ. કુરિયને આ માટે IIM-A (અમદાવાદ) પાસે દર વર્ષે 5 વિદ્યાર્થીઓને NDDBમાં પ્લેસમેન્ટ આપવા વિનંતી કરેલ, પરંતુ તે સમયે IIM-A તરફથી ‘અમારા વિદ્યાર્થીઓને ગામડાઓમાં છાણ જોવા નથી ભણાવતા’નો સંદેશ મળ્યો હતો.

આ સંદેશને ડૉ. કુરિયને દેશની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા બનાવવા પ્રેરણા સમજી NDDB અને ભારતના કૃષિ અને ખાદ્ય મામલાઓ સલાહકારના માઇકલ હલશે, ડૉ. કમલા ચૌધરીની ટીમ દ્વારા IRMAની રચના કરી હતી. આજે તે દેશની સર્વશ્રેષ્ઠ નામાંકિત 20 કોલેજોમાં સ્થાન પામે છે. તેમજ હવે તે દેશની ત્રિભુવન સહકાર યુનિવર્સીટી બનશે.