November 10, 2024

શહેરના સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતું હુક્કાબાર ઝડપાયું

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં ફરી એક વખત ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર પર પોલીસના દરોડા પાડ્યાં હતાં. પીસીબી ટીમે સરખેજ વિસ્તારના બિગ ડેડી કેફે પર રેડ કરી 37 હુક્કાઓ અને અલગ અલગ ફ્લેવરો કબજે કરી છે. કેફે માલિક દ્વારા છેલ્લા બે મહિનાથી ગેરકાયદેસર કુક્કબાર ચલાવતો હતો. બીજી બાજુ સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ હતા, પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચાલતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં ગત્ત મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ચાલતું હુકકાબાર પકડ્યું હતું. સરખેજ મહમતપુરા રોડ પર આવેલ બિગ ડેડી હુક્કાબારમાં પીસીબી ટીમે રેડ કરી ત્યારે મોટી માત્રમાં યુવક-યુવતીઓ હુકાનુ સેવન કરી રહ્યા હતાં. પોલીસે કેફે પરથી સીલબંધ હાલતના 146 હર્બલ ફ્લેવરના પેકેટ, નાના મોટા હુક્કા નંગ-37, ચિલમો, સિલ્વર ફોઈલ પેપર સહિત કુલ 62 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

હર્બલ હુક્કાના નામે હુક્કાબાર ચલાવતા
અમદાવાદમાં ફરી એક વખત બિલાડીની ટોપની જેમ ગેરકાયદેસર હુક્કાબાર ધમધમી રહ્યા છે. પ્રતિબંધિત હુક્કાબારમાં કેફે માલિકો હર્બલ હુક્કાના નામે હુક્કાબાર ચલાવતા હોય છે. જેમાં હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓ અહીંયા ખાસ સવલતો સાથે પીરસવામાં આવતા, પરંતુ પીસીબીની ટીમ ચોક્કસ માહિતી મળતા જ મોડી રાત્રે આ કેફેમાં રેડ કરી હતી, જ્યાં તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે કબજે કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ હુક્કાબારના માલિક અને મેનેજર વિરુદ્ધ ગુનો નોંધાશે. બીજી બાજુ સરખેજ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, કારણકે છેલ્લા ધણા સમયથી હુક્કા બાર ધમધમી રહ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

કેફેની આડમાં છેલ્લા બે માસથી હુક્કાબાર ચાલતો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બિગ ડેડી કેફેનો માલિક ભાવિન પટેલ કેફેની આડમાં છેલ્લા બે માસથી હુક્કાબાર ચલાવતો હતો. આરોપી અને કેફે માલિક ભાવિન પટેલ રૂપિયા બે લાખના ભાડેથી સરખેજ રોડ પર બિગ ડેડી કેફે ચલાવી રહ્યા છે. ગ્રાહકો પાસેથી એક હુક્કાના 800 થી 1500 રૂપિયા વસૂલતો હતો. જોકે હવે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે કે હુક્કાબારમાં ફ્લેવરવાળા હુક્કા પીરસાતા કે પછી નિકોટીન યુક્ત હોકો પીરસવામાં આવતા હતા.