અમરેલીની યુવતીએ ફિલ્મી સ્ટાઇલમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 50 લાખ માગ્યા, યુવતી સહિત એકની ધરપકડ

સાગર ઠાકર, જૂનાગઢઃ મોરબીના લાલપર ગામે પ્રોવિઝન સ્ટોર ધરાવતા પંકજ ડઢાણીયાને અમરેલી જિલ્લાના વડીયા ગામની જાનવી નામની યુવતીએ મોબાઈલ પર મેસેજ કરીને વાતચીત કરી હતી. ત્યારે જાનવીએ પંકજને મળવાની ઈચ્છા દર્શાવી વિરપુર મળવા બોલાવ્યો હતો. પંકજ ડઢાણીયા ફોઈના દીકરા કિશન સોખરીયાને સાથે લઈને બંને કારમાં જાનવીને મળવા વિરપુર પહોંચ્યા હતા.
વિરપુરથી જાનવી કારમાં બેસી ગઈ અને ભેંસાણ થઈ બિલખા જવા રવાના થયા હતા. આ દરમિયાન ભેંસાણથી છોડવડી રોડ પર પહોંચતા જ જાનવીએ વોશરૂમ જવું છે, એમ કહીને કાર રોકાવી હતી. આ દરમિયાન બે બાઈક પર ચાર શખ્સો આવી ગયા હતા. જેમાંથી એક શખ્સ બાઈક પર જાનવીને લઈને જતો રહ્યો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સોએ કારમાં આવી પંકજ અને કિશનને કારમાં ગોંધી રાખી અપહરણ કરી વિસાવદર તરફ લઈ ગયા હતા અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની માગણી કરી હતી.
પંકજ ડઢાણીયાએ 50 લાખ રૂપિયા આપવાની ના પાડતાં તેને વિરપુર ઉતારી દેવાયો હતો અને કિશનને કારમાં ગોંધી રાખી રૂપિયા 10 લાખની માગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પંકજ ડઢાણીયાએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ સમગ્ર કાવતરૂં પકડી પાડ્યું હતું અને પ્રિયા નામની યુવતી તથા કિશનને ઝડપી લીધા હતા તથા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસ પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પંકજ ડઢાણીયાને ફોન કરીને મળવા બોલાવનારી જાનવી હતી, તેનું સાચું નામ પ્રિયા છે. પ્રિયાએ જાનવી બનીને ફોન કર્યો હતો અને પંકજ ડઢાણીયાની સાથે આવનારો તેના ફોઈનો દીકરો કિશન સોખરીયા પ્રિયાને પહેલેથી જ ઓળખતો હતો. તે પણ આ હનીટ્રેપમાં શામેલ હતો.
અગાઉ મોરબીમાં ટી પોસ્ટ પર ચા પીવા માટે પંકજ, કિશન અને પ્રિયા ભેગા થયા હતા. ત્યારે પંકજે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું, ત્યારે તેના ખાતામાં 10 લાખ રૂપિયા બેલેન્સ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પ્રિયાએ કિશનને આ અંગે પૂછતાં પંકજે જમીન વેચી તેના રૂપિયા આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારથી આ 10 લાખ રૂપિયા પડાવી લેવાનો પ્લાન ઘડાયો હતો.
આ હનીટ્રેપનો માસ્ટર માઈન્ડ શૈલેષગીરી ગોસાઈ છે, જેણે પ્રિયાની જગ્યાએ જાનવીને ગોઠવીને હનીટ્રેપ ગોઠવી હતી. શૈલેષગીરી હાલ ફરાર છે અને તે અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલો હતો. પોલીસે શૈલેષગીરી સહિતના આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.