અમરેલીમાં સગીરને જાહેરમાં માર મારી હુમલો કર્યો, 2 લોકોની ધરપકડ

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ શહેરમાં સગીરને કેટલાક લોકોએ જાહેરમાં માર મારી હુમલો કર્યાનો વીડિયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી 2 લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી શહેરમાં મારામારી કરતો વીડિયો વાયરલ થતાં સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તારીખ 12 એપ્રિલે ફોરવર્ડ ગ્રાઉન્ડમાં આ બનાવ બન્યો હતો. બબાલ બાબતે ફરિયાદ લઈ લેવામાં આવી છે અને તેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ બનાવના 1 દિવસ પહેલાં સ્કૂલના બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તેના બદલામાં ફરીયાદી સગીરને આરોપીએ બોલાવી અન્ય 6 જેટલા ઈસમો અને અન્ય 2 વ્યક્તિએ મારમારી હુમલો કર્યો હતો, મારમાર્યો હતો.

અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બની તે જ દિવસે મુખ્ય 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય વ્યક્તિઓ માઇનોર હોવાથી કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અન્ય આરોપીની પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે.