વિશ્વનું એકમાત્ર ‘સિંહમંદિર’, બે સિંહના મોત બાદ સ્મૃતિમાં બનાવ્યું
રાજુલાઃ દેશભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાભરમાં એશિયાટિક સિંહો એકમાત્ર ગુજરાતના ગીરમાં જોવા મળે છે. સિંહનું સ્મૃતિ મંદિર એકમાત્ર રાજુલાના ભેરાઈ ગામે આવેલું છે. ત્યારે વિશ્વ સિંહ દિવસ નિમિતે સિંહ સ્મૃતિ મંદિરે સિંહ ચાલીસા, સિંહ આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે વિશ્વભરમાં એકમાત્ર સિંહનું સ્મારક મંદિર બન્યું હોય તો તે છે રાજુલાના ભેરાઇ નજીકના રેલ્વે ટ્રેક પાસે. 2014ની સાલમાં પ્રથમ ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોતની ગંભીર દુર્ઘટના ઘટી હતી. ત્યારબાદ સિંહ પ્રેમીઓએ સ્થાનિક ખેડૂતની વાડીમાં એક સિંહ સ્મૃતિ મંદિરની સ્થપના કરવામાં આવી હતી. આજે વિશ્વ સિંહ દિવસ નિમિતે સિંહ પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમીઓ અને વનવિભાગ દ્વારા દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિતે પૂજા પાઠ, સિંહ ચાલીસા, સહિતના કાર્યક્રમો થાય છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ સિંહ સ્મૃતિ મંદિરે પૂજા પાઠ કર્યા હતા અને દેશના શાન સમા સિંહો ગીર સાથે દેશની શાન હોવાનું ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું.
વિશ્વ સિંહ દિવસ નિમિતે સિંહ મંદિરમાં પૂજા પાઠ સિંહ ચાલીસાના પઠન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સિંહ સ્મૃતિ મંદિરનું નિર્માણ માટે ખેડૂતે પોતાની કીમતી જમીન ફાળવી હતી. 2014ની સાલમાં રાણી અને રૂપસુંદરી નામની સિંહણના રેલ્વે ટ્રેક પર ટ્રેનના અડફેટે મોત થયા હતા. તેમાંથી એક સિંહણ ગર્ભવતી હતી અને સિંહણના પોસ્ટમોર્ટમમાં 3 સિંહબાળ પણ મોતને ભેટ્યા હોવાથી સિંહોની યાદમાં સિંહસ્મૃતિ મંદિરનું નિર્માણ થયું હોવાની વિગતો પૂર્વ વાઈલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરી અને વનવિભાગના અધિકારી યોગરાજસિંહ રાઠોડે જણાવી હતી.
દેશભરમાં એશિયાટિક સિંહો એકમાત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળતા હોય છે. આખા વિશ્વમાં સિંહનું ક્યાંય મંદિર હોય તો તે રાજુલાના ભેરાઇમાં હોય અને સિંહની યાદમાં બનાવેલા સ્મૃતિ મંદિરમાં વિશ્વ સિંહ દિવસ નિમિતે પૂજાપાઠ અને સિંહ ચાલીસાના કાર્યક્રમો યોજીને સિંહોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.