September 12, 2024

દિવાનજીને સપનું આવતા જમીન ખોદાવી તો પ્રગટ્યા ‘નાગનાથ મહાદેવ’

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાના અઢારમા દિવસે શિવાલયયાત્રા અમરેલી પહોંચી ગઈ છે. અમરેલી શહેરની મધ્યમાં બિરાજમાન છે ‘નાગનાથ મહાદેવ’. ત્યારે ચાલો આજે વાત કરીએ નાગનાથ મહાદેવની પૌરાણિક કથા વિશે…

શું છે પૌરાણિક કથા?
દંતકથા પ્રમાણે, ગાયકવાડ રાજાના દિવાન વિઠ્ઠલરાવ દેવાજીની ગાયોને ભરવાડ ચરાવવા લઈ જતો હતો અને તેમની સારસંભાળ રાખતો હતો. એકવાર ભરવાડને વાત ધ્યાને આવી કે, ગાયો દૂધ ઓછું આપે છે. ત્યારે તેણે ગાયો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ભરવાડે જોયું કે, આ ગાયો એક જગ્યાએ આવીને ઉભી રહી જતી અને આંચળમાંથી દૂધની ધારા વહેવડાવતી હતી. આ જોઇને ભરવાડ પણ થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ભરવાડે આ સમગ્ર ઘટનાની વાત દિવાનજીને કીધી હતી.

ત્યારબાદ દિવાનજીને રાત્રે સ્વપ્ન આવ્યું હતું અને તેમણે આ જગ્યા પર ખોદકામ કરાવ્યું હતું. ખોદકામ કરતા જ ત્યાંથી દેવાધિદેવ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું. ત્યારબાદ દિવાનજીએ આ જગ્યા પર મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. વિક્રમ સંવત 1869ના રોજ મંદિરનો પાયો નાંખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તે સમયે નાગનાથ મહાદેવનું મંદિર બનાવવા માટે અંદાજે 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. સરકારે ઇસ 1972 સુધી મંદિરનો વહીવટ સંભાળ્યો હતો અને ત્યારબાદ ટ્રસ્ટની રચના કરી હતી. મંદિરનો વહીવટ સોંપી દેવામાં આવ્યો હતો.

શ્રાવણ માસના પાવન પર્વે બહોળી સંખ્યામાં શિવભક્તો જય નાગનાથના નાદ સાથે શિવજીને બીલીપત્રો અને દૂધની ધારા સહિત પુષ્પોથી અભિષેક કરી ભોળાનાથના આર્શિવાદ મેળવી રહ્યા છે. સવારમાં શિવજીની આરતીનો લ્હાવો લેવા જય નાગનાથના નાદ સાથે શિવભકતોની ભીડ જામે છે.

કેવી રીતે પહોંચવું?
ગુજરાતના દરેક શહેરથી અમરેલી જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા છે. રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી અમરેલી જઈ શકાય છે. અમરેલીથી નાગનાથ મંદિરે જવા માટે રિક્ષાની સુવિધા ઉપલબ્ધ છે.