November 22, 2024

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા, લાભપાંચમનું મુહૂર્ત સાચવ્યું

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં તહેવારોને લઈ મીની વેકેશન પડ્યા બાદ આજે લાભ પાંચમના દિવસે માર્કેટિંગ યાર્ડ ખુલ્યા હતા અને ખેડૂતો અને વેપારીઓએ લાભ પાચમનું મુહૂર્ત સાચવ્યું હતું.

અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા, બાબરા, સાવરકુંડલા, અમરેલી, બગસરા સહિત માર્કેટિંગ યાર્ડ આજે લાભ પાંચમના દિવસે ખોલ્યા હતા અને ખેડૂતો બહોળી સંખ્યામાં જણસ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા અને લાભ પાંચમનું મુહૂર્ત સાચવ્યું હતું

માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વીએમ માંડણકાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં દિવાળી વેકેશનને લઈ માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યા હતા. ત્યારે હાલ ખેડૂતોને પણ પોતાના પાક તૈયાર થઈ ગયા હોવાથી અને સિઝન ચાલતી હોવાથી ખેડૂતો જણસ વેચવા યાર્ડમાં પહોંચ્યા હતા. આ સાથે લાભ પાંચમનું મુહૂર્ત પણ ખેડૂતોએ સાચવ્યું હતું. ખેડૂતોને સારા ભાવ મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને અમરેલી જિલ્લાના ખાંભા સહિત માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લાભ પાંચમને દિવસે સારા ભાવ પણ મળી રહ્યા છે.