November 24, 2024

અમરેલીમાં બનેવીએ સાળાની હત્યા કરી, પેટમાં માર મારી લાકડાં વડે હુમલો

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં જાફરાબાદ તાલુકાના વડલી ગામે સાળાને પેટમાં લાકડું મારી હત્યા કરનારા બનેવીને નાગેશ્રી પોલીસએ ગણતરીની કલાકોમાં દબોચી લીધો છે. નાગેશ્રી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લામા 2 દિવસ પહેલાં હત્યાની ઘટનાને લઈ ચકચાર મચી હતી. જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ હતી. અહીં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવી દ્વારા બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પછાડ્યો હતો. ત્યારબાદ બનેવીએ પેટમાં લાકડું માર્યું હતું. તેને કારણે યુવકને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ આરોપી સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. તો પોલીસે ફરિયાદના આધારે ઘટનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્કોડની ટીમો દ્વારા આરોપી રમેશ બાંભણીયાને ગણતરીના કલાકોમાં દબોચી ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હત્યામાં વપરાયેલું લાકડું પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે.

હાલ આરોપીની વધુ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવકના પિતા જીલુભાઈ પાલાભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ દાદુભાઇ બાંભણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી જીલુભાઈ સોલંકીની દીકરી દયાબેન આરોપી રમેશભાઈ દાદુભાઈ બાંભણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે વડલી ગામે રહેતી હતી. આરોપી રમેશભાઈ હેરાન પરેશાન કરતા હતા. જેના કારણે આરોપીની પત્ની દયાબેન મનદુઃખના કારણે વડલી પિતાના ઘરે આવી હતી.

આ વાતનું મનદુઃખ રાખી તેમના સાળા મૃતક પ્રવીણભાઈ સોલંકી ગામમાં દૂધ લેવા આવતા આરોપી રમેશ બાંભણીયા દ્વારા જોરથી પેટના ભાગે પાટુ મારી લાકડાં વડે પેટના ભાગે મૂઢમાર મારી ગાળો આપી જીવલેણ હુમલો કરતા પ્રવીણભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે નાગેશ્રી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એએસપી જયવીર ગઢવીએ જણાવ્યુ હતુ કે, જાફરાબાદ તાલુકાના વડલી ગામમા યુવક દૂધ લેવા દુકાને જતા સમયે પ્રવીણભાઈ સોલંકીને લાકડાથી માર મારી હત્યા કર્યા બાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હાલ પૂછપરછ ચાલી રહી છે.