September 30, 2024

અમરેલીમાં ધોધમાર વરસાદ, ધાવતરવડી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ

અમરેલીઃ જિલ્લામાં છેલ્લે છેલ્લે વરસાદી માહોલ જામ્યો અને ખાંભા ગીરના ઉપરવાસના ગામના અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને પગલે ખાંભા શહેરમાંથી પસાર થતી ધાતરવડી નદીમાં પૂર આવ્યું હતું. તેમજ રાત્રિના ભારે વરસાદ પડવાને પગલે ખાંભાનો રાયડી ડેમ પણ છલકાયો હતો.

રાયડી ડેમના ત્રણ દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ત્યારે ખાંભા ગીરના પીપળવા, લાસા, ધાવડિયા, તાતણીયા, ડેડાણ, ત્રાકુડા, ભૂંડળી, મોટા બારમણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અમરેલી જિલ્લામાં ગઈ કાલે પડેલા વરસાદના કારણે જળાશયો ફરીવાર ઓવરફ્લો થયા છે. સતત પડી રહેલા વરસાદના કારણે ધાતરવડી ડેમ અને રાયડી ડેમ ફરીવાર ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થતા નદીના વિસ્તારમાં લોકોએ અવરજવર નહીં કરવા સૂચના આપી છે. રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતા 10 ગામડાંને એલર્ટ આપવામાં આવ્યું છે. ખાખબાઈ, વડ, હિંડોરણા, લોઠપુર, રામપરા, ભચાદર, ઉંચેયા સહિત ગામડાંને તકેદારી રાખવા સૂચના આપી છે. ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થતા 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા રાયડી ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રી સહિત ગામડાઓને એલર્ટ કર્યા છે.

24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘમહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 112 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વિસાવદર તાલુકામાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ વડોદરામાં પોણા 4 ઈંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં સાડા 3 ઈંચ, ગઢડામાં સવા 3 ઈંચ, તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 3 ઈંચ, પાદરામાં પોણા 3 ઈંચ, ખાંભા અને ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ, ઉનામાં 2 ઈંચ, ભીલોડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.