અમરેલીમાં મગફળીનું પુષ્કળ વાવેતર, 11 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે તો ખેડૂતોને નુકસાન
દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં ચાલુ વર્ષ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં 45 હજાર મણની આવક જોવા મળી છે. ખેડૂતોને મગફળી માર્કેટિંગ યાર્ડમાં 900થી 1000ના ભાવે વેચવા મજબૂર ઉભી થઈ છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી દિવાળીના કારણે વહેલી તો ન કરી પણ મોડી થતા ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે. ટેકાના ભાવની ખરીદી દિવાળી પછી લાભ પાંચમથી શરૂ કરવાની હતી પણ 11 નવેમ્બરથી ખરીદી શરૂ થતાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ છેલ્લે છેલ્લે વરસાદ પડવાને કારણે ખેડૂતો મગફળીનો પાક પલળ્યો હતો. પરંતુ મગફળીના ભાવ માર્કેટિંગ યાર્ડમાં સારા ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી 1356ના ભાવથી દિવાળીના કારણે વહેલી તો ના કરી પણ 11 તારીખથી ખરીદી શરૂ થવાથી ખેડૂતોને હાલ નુકસાની ખાઈને પોતાની મગફળી 900થી 1000ના ભાવે માર્કેટિંગ યાર્ડમાં વેચવા મજબૂરી ઊભી છે.
ચોમાસાની સિઝનનો વાવણીનો ખુબ સારો એવો વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોએ સારા ભાવની આશાએ મગફળીનું પુષ્કળ વાવેતર કર્યું હતું. મગફળી પકવવવા ખેડૂતોએ મોંઘી દવા, મોંઘી મજૂરી અને ખાતરનો ખર્ચો કરી રાત ઉજાગરા કર્યા હતા. ત્યારબાદ છેલ્લે છેલ્લે સતત સાત આઠ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ખેડૂતોનો મગફળીનો પાક પલળી જતા સારા ભાવની આશા પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો મગફળી લઈ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવ્યા હતા તો મગફળીના ભાવ 900થી 1000 મળ્યા હતા. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી લાભ પાંચમને બદલે 11 નવેમ્બરથી થવાની હોય ત્યારે ખેડૂતોને નાછૂટકે મગફળી સસ્તા ભાવે વેચવા મજબૂરી ઉભી થઈ હતી.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર હતો અને વરસાદ પડતા મગફળીના પાકમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને મગફળીનો પાક બગડ્યો હોય અને વેચવો પડે તેમ હોય તેમજ દિવાળીનો તહેવાર માથે હોવાથી ટ્રેકટરના ભાડાં, મજૂરી ચૂકવવાની હોય તો મગફળી વેચવા મજબૂર બન્યા છે. ત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 900થી 1000 જેવા નીચા ભાવે આવે છે તેમ છતાં ખેડૂતો મગફળી વેચી રહ્યા હતા.