September 2, 2024

અમરેલીમાંથી ઝડપાઈ ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી, એકની ધરપકડ

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને છેતરવાના ઇરાદે અમરેલીના શખ્સે ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવીને ખેડૂતોને પધરાવતો હતો. ત્યારે આ મામલે મળેલી બાતમીને આધારે અમરેલી એસઓજીએ ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેકટરી ઝડપી પાડી હતી. આ સાથે જંતુનાશક દવા બનાવવામાં વપરાતા કેમિકલ, સ્ટિકર સહિતના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો હતો.

ચોમાસાની ઋતુ હોવાથી ખેડૂતો ખેતીપાક બચાવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. અલ્કેશ ભાનુભાઈ ચોડવડિયા નામના યુવકે ખેડૂતોને છેતરવા માટે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી. જંતુનાશક દવાઓ બનાવવા ડુપ્લિકેટ અને અનઅધિકૃત બનાવટી પેકિંગ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે અમરેલી એસઓજીએ અમરેલીના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ પર ગેસ એજન્સીના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા.

એસઓજીએ દરોડો પાડતા બિનઅધિકૃત જંતુનાશક દવાનો જથ્થો અને જંતુનાશક દવા બનાવવાની સાધન સામગ્રીમાં જંતુનાશક બોટલ નંગ 876 જેની કિંમત 12.39 લાખ અને પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી સ્ટીકર ચોંટાડવા બોટલો સિલ કરવાના અલગ અલગ સાત મશીનો 49 હજારમાં એમ કુલ 12.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી એસ.ઓ.જી.એ જડપી ને જંતુનાશક દવાઓ બનાવવાની ફેકટરી સંચાલક અલ્કેશ ચોડવડિયાને જડપી પાડીને અમરેલી Dysp ચીરાગ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ને જંતુનાશક દવાની ફેકટરી સાથેના આરોપીની વિગતો જણાવી હતી.